રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કેન્દ્રીય ઢબે લેવામાં આવેલ ગુજરાતી વિષયની પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં જ નબળા હોવાનું સામે આવ્યું છે. પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓના માર્ક પણ 30 થી નીચે રહ્યા હતા, જ્યારે ગુજરાતમાં સૌથી વધુ ગુજરાતી માધ્યમ હોવાને કારણે રાજ્ય સરકારે પણ આ મુદ્દાને વધુ પ્રાધાન્ય આપીને રાજ્યમાં વાંચન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કો 22 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.
આ અભિયાનમાં ફક્ત વાંચન નહીં પણ જોરથી વાંચવા ઉપર ધ્યાન આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં રાજ્યની શાળામાં ભણતાં વિદ્યાર્થીઓની ગુજરાતી ભાષામાં ઓછી પકડ છે. જેમાં 80 ટકાથી વધુ વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા વાંચવા તથા લખવામાં કચાશ હોવાનું શિક્ષણ વિભાગને ધ્યાને આવ્યું છે. ત્યારે ગુજરાતી ભાષામાં પાયો કાચો ના રહી જાય તેને વધુ પ્રાધાન્ય આપીને રાજ્યમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમના નિવાસ સસ્થાનેથી વાંચન અભિયાન શરૂ કરાવશે. જેમાં ધોરણ 3થી 8ના તમામ વિદ્યાર્થીઓને અભિયાન હેઠળ જોડવામાં આવશે, રાજ્યના 38 લાખ વિદ્યાર્થીઓ આવતી કાલથી આ અભિયાનમાં જોડાશે..
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હવે ઇંગલિશ મીડીયમ શાળાનો પ્રભાવ વધી રહ્યો છે. આજકાલના પરેન્ટ્સ પણ બાળકોને ઇંગલિશ મીડિયમમાં મુકવાની વાત કરે છે. પણ ગુજરાતી ભાષા પર જ હવે લટકીટ તલવાર હોય તેવી પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને હવે રાજ્ય સરકાર પણ ગુજરાતી ભાષા પર બાળકોનું પ્રભુત્વ રહે તે અંગેના પ્રયાસો હાથ ધર્યા છે.