ગાંધીનગર ગુજરાત સરકારની ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર અને ભૂપેન્દ્ર પટેલની જૂની સરકાર હતી ત્યારે પણ જમીન સર્વેની કામગીરી કરવામાં આવી રહી હતી. પરંતુ જમીન માપણી અંગે અનેક પ્રકારની ફરિયાદો ખેડૂતો અને ધારાસભ્યો કરી રહ્યા હતાં. ત્યારે ગુજરાત વિધાનસભાના વિધાનસભા સત્ર દરમિયાન 4 માર્ચ 2022 ના દિવસે પણ સરકારે જાહેરાત કરી હતી કે જમીન માપણીની ક્ષતિ સુધારવા માટે હજુ પણ સરકાર 1,67,664 અરજીઓ પ્રાપ્ત થઈ હતી જેમાં હજુ 76,778 અરજીઓ નિકાલ કરવાનો બાકી હતો. ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબીનેટ બેઠકમાં ફરી જમીન રીસર્વેની અરજી અને ફરિયાદ બાબતે જમીન માપણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
5 વર્ષ સુધી સરકાર ફરી કરશે જમીન માપણી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણયની માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કેબીનેટ બ્રિફિંગ પૂર્ણ થયા બાદ ઓફીસ તરફ જતા હતાં ત્યારે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે કોઈ એજન્સી નહીં પણ સરકારના વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત અરજીઓનો નિકાલ કરવામાં આવશે આમ 5 વર્ષ સુધીમાં આ સર્વે ગુજરાતમાં પૂર્ણ કરવામાં આવશે.
જૂની સરકારે શુ કહ્યું હતું જમીન રીસર્વે માં વર્ષ 2021ના અંતમાં ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારના પૂર્વ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદત એક વર્ષ ડિસેમ્બર 2022 સુધી લંબાવાઈ છે. જ્યારે રીસર્વેમાં ખાસ ઝુંબેશ તરીકે 40 હજારના લક્ષ્યાંક સામે 38 હજાર અરજીઓનો નિકાલ અને 64 હજારથી વધુ સર્વે નંબરની માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો Land Re-Survey Gujarat: ખેડૂતોની જમીનોના રી-સર્વે અંતર્ગત 76,778 અરજીઓ પેન્ડિંગ
5.28 લાખ વાંધા અરજી મળી રીસર્વે કામગીરીમાં અંદાજે 95 લાખ સર્વે નંબરોની સામે આવેલી 5.28 લાખ વાંધા અરજીઓમાંથી 4.13 લાખ અરજીઓની કાર્યવાહી કરાઈ હતી. નેશનલ લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ-NLRMP હેઠળ સમગ્ર દેશમાં રાજ્યની ખેતીની જમીનની ફિલ્ડમાં જઈ માપણી કરી DGPS-ETS જેવી આધુનિક પદ્ધતિ સાધનોનો ઉપયોગ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાં રીસર્વેના પ્રમોલગેશન બાદ પણ ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે વાંધા નિકાલની સાદી અરજી કરવાની તક વર્ષ 2016થી આપવામાં આવી હતી.
સરકારે કેટલો કર્યો ખર્ચ સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે વર્ષ 2008-09 માં ડિજિટલ જમીન સર્વે શરૂ કરવામાં આવ્યો હતો જેમાં સરકારને 262 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે જે જૂની એજન્સી ગુજરાતમાં જમીનનો સર્વે કરી રહી હતી. તેમાં પણ અનેક પ્રકારના વાંધા આવતા હતાં અને ખેડૂતોની જમીન ઓછી થઈ જતી હતી અને તેવી પણ ફરિયાદ રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. ત્યારે આ એજન્સીને પણ સરકારે 700 કરોડ રૂપિયાની માતબર રકમ જમીન માટે ચૂકવી હોવાની પણ વિગતો સામે આવી રહી છે. આ 700 કરોડ પાણીમાં ગયાં છે.આમ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છતાં જમીનનો રીસર્વે રદ કરી હવે સરકાર પોતાના વિભાગથી રીસર્વેની બાકી ક્ષતિગ્રસ્ત અરજી અને ફરિયાદનો નિકાલ આવશે.