ગાંધીનગર: રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, જીપીએસસી, ગુજરાત પોલીસ પરીક્ષા બોર્ડ જેવા અલગ અલગ વિભાગો દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્ર પરીક્ષા યોજાય તે અગાઉ જ લીક થઈ જાય છે લાખોની કિંમતમાં વેચાયાની ઘટનાઓ ઘટી છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની પદ્ધતિ જ બદલી નાખવામાં આવી છે. મંડળ હવે તબક્કા વાર કોમ્પ્યુટર પરીક્ષા જ યોજશે.
એક સાથે 15000 ઉમેદવારોની પરીક્ષા લેવાશેઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સૂત્રો અનુસાર પરીક્ષાના માળખામાં મોટા પાયે ફેરફાર કરાયો છે. ઉમેદવારે હવે કોમ્પ્યુટર પરીક્ષા આપવાની રહેશે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો અરજી કરતા હોય છે. તેથી હવે આ કોમ્પ્યૂટર પરીક્ષા એક દિવસમાં નહિ પરંતુ અલગ અલગ તબક્કામાં લેવામાં આવશે. મંડળ દ્વારા ખાનગી એજન્સીને પણ કામગીરી સોંપવામાં આવશે. એક સાથે 15000 ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવશે. આ મુદ્દે સત્તાવાર નોટિફિકેશન મંડળ દ્વારા બહાર પાડવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલા નિર્ણય અંતર્ગત રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મંડળ સમગ્ર ભરતી પ્રક્રિયા ઝડપી અને સમયબદ્ધ બનાવે તેવી સૂચના હતી. આ ઉપરાંત પસંદગીનું ઊંચુ ધોરણ જાળવીને યોગ્ય ઉમેદવારોને અન્યાય ન થાય તે રીતે પરીક્ષા યોજવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રશ્નપત્ર અને ગુણ વહેંચણીઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ના ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગની શૈક્ષણિક લાયકાતમાં આઈટીઆઈ ડિપ્લોમા અને ધોરણ 10 કે 12 પછી ટેકનિકલનો સર્ટિફિકેટ કોર્ષ ફરજિયાત કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 30 માર્ક્સની તાર્કિક અને ગાણિતિક કસોટી એમ કુલ 60 માર્ક્સનું પ્રથમ પ્રશ્નપત્ર રહેશે. બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, અંગ્રેજી, ગુજરાતીના કુલ 120 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે. વિભાગ 1 અને 2માં કુલ 150 માર્ક્સના 210 પ્રશ્નો પુછવામાં આવશે. જેમાં પ્રશ્નપત્ર પૂરુ કરવા માટે કુલ સમયગાળો 180 મિનિટનો રાખવામાં આવ્યો છે.
5મા વિકલ્પનું નેગેટિવ માર્કિંગ નહીં થાયઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો સરકારના વર્તમાન નિયમો અનુસાર જ વેટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. MCQ પદ્ધતિની પરીક્ષામાં હવે પાંચમો વિકલ્પ આપવામાં આવશે. જો ઉમેદવાર ચારેય વિકલ્પમાંથી કોઈનો જવાબ ન આપવા માંગે તો પાંચમો વિકલ્પ પસંદ કરી શકે છે. આ પાંચમા વિકલ્પનું નેગેટિવ માર્કિંગ નહીં થાય. પહેલા જો વિકલ્પ પસંદ ન કરેલ હોય તો ઉમેદવારના 0.25 માર્ક કાપવામાં આવતા હતા. એટલે કે નેગેટિવ માર્કિંગ થતું હતું. જે હવે પાંચમા વિકલ્પની પસંદગી પર કરવામાં આવશે નહીં.