ગાંધીનગરઃ ગેરકાયદેસર વીજ જોડાણ કરીને વીજચોરી કરવી એ ખૂબ ગંભીર બાબત છે. આવા પ્રકારની ચોરી કરીને કેટલાક લોકો સરકારની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડતા હોય છે. ત્યારે વીજચોરી બાબતે રાજ્ય સરકારના ઊર્જા વિભાગે અચાનક જ 200 ટીમ બનાવી વીજચોરી કરનારા તત્વો સામે કાર્યવાહી કરી છે. તે દરમિયાન 397 વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.
આ પણ વાંચો લ્યો બોલો, આ તો કેવું તંત્ર...! એક માસના બાળક પર કરી વીજ ચોરીની ફરિયાદ
વીજચોરો પર કડક કાર્યવાહી થશેઃ ઊર્જા વિભાગ દ્વારા વીજચોરો સામે કડક કાર્યવાહી કરવા અને તેમને પકડવા ગુજરાત પોલીસ અને વીજ કંપનીઓની વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત ઑપરેશન હાથ ધરી રાજ્યભરમાં મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 200થી વધુ ટીમો દ્વારા સર્ચ ઑપરેશન હાથ ધરીને 3,730 વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આમાં 397 ગેરકાયદે વીજ જોડાણ પકડાયા છે. તો આ ગેરરીતિ બદલ તેમની પાસેથી 165.65 લાખ રૂપિયા આકારણીની વસુલાત કરીને કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
ફેક્ટરીમાં ગેરકાયદેસર વીજ જોડાણઃ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત મેગા ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સાથે જ ગેરકાયદેસર વીજ જોડાણોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સંયુક્ત ઑપરેશનઃ ગૃહ વિભાગમાંથી મળેલી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેર વિસ્તારમાં વીજ કંપનીની 86 ટીમો સાથે 1,828 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા છે. તે પૈકી 100 વીજ જોડાણોમાં ગેરરીતિ જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર 90 લાખ રૂપિયાની આકારણી કરવામાં આવી છે. આ ચેકિંગ દરમિયાન કેટલીક ફેક્ટરીઓમાં પણ ગેરકાયદેસર વીજ જોડાણ હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત રાજકોટના ગોંડલ શહેર વિસ્તારમાં વીજ કંપનીની 44 ટીમો સાથે 857 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા અને તે પૈકી 126 વીજ જોડાણોમાં ગેરરીતિ જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરી 26 લાખ રૂપિયાની આકારણી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં દરોડાઃ આ જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના 7 ગામો અને ધાંગધ્રા શહેર વિસ્તારમાં વીજ કંપનીની વિવિધ ટીમો સાથે 573 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. આ પૈકી 86 વીજ જોડાણોમાં ગેરરીતિ જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરી 18 લાખ રૂપિયાની આકારણી કરવામાં આવી છે. આ ડ્રાઈવ દરમિયાન 4 ટી.સી, 500 મીટર વાયર અને 7 સબમર્શિબલ પમ્પ મોટર કબ્જે કરવામાં આવી છે.
જામનગરમાં 37 ટીમની તવાઈઃ બીજી તરફ જામનગર જિલ્લામાં જામનગર શહેર વિસ્તારમાં વીજ કંપનીની 37 ટીમો સાથે 472 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. આ પૈકી 85 વીજ જોડાણોમાં ગેરરીતિ જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરી 31.65 લાખ રૂપિયાની આકારણી કરવામાં આવી છે. રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે રાજ્યમાં વીજચોરી અટકાવવા અલગ અલગ જિલ્લાઓમાં મેગા ચેકિંગ ડ્રાઈવની કામગીરી કરવામાં આવી હતી.