ગાંધીનગરઃ વાવાઝોડા બિપરજોયને કારણે ભારે વરસાદ પડ્યો હતો. પણ ચોમાસું સીઝનનો વરસાદ ઓછો થયો હોવાના રીપોર્ટ સામે આવ્યા છે. નદીઓમાં નવા નીરની ધીમીધારે આવક થઈ છે. સરદાર સરોવર સહિત 207 ડેમમાં વરસાદી પાણી આવ્યા છે. જ્યારે કેટલાક ડેમ ઓવરફલો થયા હોવાના વાવડ છે. રાજ્યના નર્મદા અને જલ સંપત્તિ વિભાગે આ અંગે એક રીપોર્ટ જાહેર કર્યો હતો. જેમાંથી આ વાત જાણવા મળી છે.
પૂર નથી આવ્યુંઃ વાવાઝોડા બિપરજોયને કારણે આ વખતે જૂન મહિનાના બીજા અઠવાડિયે વરસાદ શરૂ થયો હતો. ત્રણ અઠવાડિયાના અંતે 9 ટકા વરસાદ થયેલો નોંધાયો છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની એક પણ નદીમાં કોઈ પૂરની સ્થિતિ જોવા નથી મળી. ધોરાઈ, કડાણા, પાનમ, વાત્રક, ઉકાઈ, દમણગંગા, સુખી, દાંતિવાડા અને સીપુ જેવા 17 ડેમમાં કુલ 35 ટકા વોટર સ્ટોક સ્ટોર થઈ રહ્યો છે.
જળસંગ્રહની વિગતઃ વાત્રક, સીપુ અને હાથમતી એમ ત્રણ ડેમમાં રવિવારે છેલ્લા 24 કલાકમાં નવા નીરની કોઈ આવક નથી. નર્મદાના મધ્ય પ્રદેશ તરફના સ્ત્રાવ વિસ્તારમાં ચાલી રહેલા વરસાદને કારણે નર્મદા નદીમાં 42238 ક્યુસેક પાણી આવ્યું છે. તેમ છતાં સરદાર સરોવરમાં શનિવારે 53.90 ટકાનો જળ સંગ્રહ થયેલો છે.
14 ડેમ ભરાયાઃ સરદાર સરોવર નર્મદા સિવાય રાજ્યમાં 206 ડેમ પૈકી 16 ડેમમાં 90 ટકા પાણીની આવક થવા પામી છે. જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારના હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 32 ડેમમાંથી એક પણ ડેમનો આમા સમાવેશ થતો નથી. આ વિસ્તારના કુલ 14 ડેમ ભરાયા છે. જોકે, હવામાન ખાતાની આગાહી અનુસાર આવનારા દિવસોમાં ચોમાસું હજું સક્રિય રહેવાનું છે. જેના કારણે આ ડેમમાં હજું પણ વરસાદી પાણીની આવક થઈ શકે છે. જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી તથા સિંચાઈ માટેનું પાણી સરળતાથી મળી રહેશે.