ગાંધીનગર : કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં બહુમતીથી મહિલા આરક્ષણ બિલ રજૂ કર્યું છે. ત્યારે બિલમાં દર્શાવ્યા મુજબ આ બિલ વસ્તીગણતરી બાદ 2029ની લોકસભા ચૂંટણી દરમિયાન લાગુ પડશે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી આ બિલનો અમલ આગામી લોકસભા ચૂંટણીમાં જ કરવા માટે માગણી થઇ છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએે 2029માં નહીં પણ વર્ષ 2024ની ચૂંટણીમાં જ મહિલા અનામત બિલ લાગુ કરવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
મહિલા બિલમાં ઓબીસી મહિલાઓને અન્યાય : ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઓબીસી સમાજના આગેવાનોએ વિરોધ કર્યો હતો. આ સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા મહિલા અનામત બિલ નારી શક્તિ વંદનમાં ઓબીસી માહિલાઓને અન્યાય થયો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતાં. આવેદનપત્ર આપવા સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્ર સરકાર મહિલાઓની વિરોધી સરકાર હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ બિલને વોટબેંકની રાજનીતિ પણ ગણાવ્યું હતું.
ગુજરાતને ગાંધી અને સરદારનું સ્ટેટ ગણવામાં આવે છે. ગુજરાત ગાંધી વિચારધારા સાથે સંકળાયેલ રાજ્ય છે. ત્યારે કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં મહિલા અનામત બિલ જે રજૂ કર્યું છે એ વર્ષ 2024 લોકસભા પહેલા વોટબેંકની રાજનીતિ છે...ડોકટર અમિત નાયક (કોંગ્રેસ પ્રવક્તા )
52 ટકા ઓબીસીની વસ્તી : તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ સાંસદોએ બિલને સમર્થન કર્યું હતું અને આ બિલ 2024 લોકસભામાં લાગુ કરવાની વાત કરી હતી. જ્યારે ગુજરાતમાં 52 ટકા ઓબીસીની વસ્તી છે, ત્યારે આ મહિલા અનામત બિલમાં ઓબીસી મહિલાઓ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે. ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતને આવેદનપત્ર આપવા માટેનો સમય લીધો હતો તેમ છતાં રાજ્યપાલને મળી ન શક્યા હોવાના આક્રોશ પણ અમિત નાયકે વ્યક્ત કર્યો હતો.