ગાંધીનગર : ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે(Gujarat CM Bhupendra Patel has resigned) આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. તમામ પ્રધાનમંડળે પણ રાજીનામા આપી દીધા છે. હવે તેઓ ગુજરાતના કેરટેકર તરીકે કાર્યરત રહેશે. 12 ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.(Bhupendra Patel will take oath as the Chief Minister with the new cabinet On December 12)
20માંથી 19 પ્રધાનોએ જીત મેળવી: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારના 20માંથી 19 પ્રધાનોએ જીત મેળવી છે. કમલમ ખાતે 10 ડિસેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક યોજાશે, જેમાં મુખ્ય પ્રધાન તરીકેની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.જિતુ વાઘાણી, જિતુ ચૌધરી અને દેવા માલમ શરૂઆતના તબક્કામાં પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ પાછળના રાઉન્ડમાં લીડ પકડી હતી અને જીત હાંસલ કરી હતી.
મુખ્યપ્રધાન બદલવા ભાજપની રણનીતિ: ઓગસ્ટ-2021માં ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા બાદ ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલની મુખ્યપ્રધાન તરીકે વરણી કરવામાં આવી હતી. જો કે આ બાબતે તેમને પોતાને પણ જાણ નહોતી. કમલમમાં જે ઓડિટોરિયમમાં મીટિંગ હતી ત્યાં છેક પાછળ ભૂપેન્દ્ર પટેલ બેઠા હતા. તેમને સહેજ પણ ખ્યાલ નહોતો અને મુખ્યપ્રધાન તરીકે તેમના નામની ઘોષણા કરવામાં આવશે. સવારે તેઓ બોપલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગયા હતા અને સાંજે મુખ્યપ્રધાન બની ગયા. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું. જો કે આ મુખ્યપ્રધાન બદલવા એ પણ ભાજપની એક રણનીતિનો ભાગ છે. આ અગાઉ પણ ચૂંટણી પહેલા ભાજપશાસિત રાજ્યો જેવા કે કર્ણાટક, આસામ, ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાન બદલી દેવામાં આવ્યા છે.
બે ખાતા છિનવી લેવાયા: ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જે-જે પ્રધાનો આવ્યા તેમણે વાયદા કર્યા, પૂરા ન થયા. કોઈ પ્રધાને અચાનક ક્યાંક તપાસ કરી તો કોઈએ આકરા નિર્ણયો લીધા અને પક્ષને જવાબ આપવો અઘરો પડે તેવા નિવેદનો પણ આપ્યા. આ બધા વચ્ચે મહેસુલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને વાહનવ્યવહાર પૂર્ણેશ મોદી પાસેથી ખાતાં લઈ લેવામાં આવ્યાં અને અમુક્રમે હર્ષ સંઘવી તથા જગદીશ પંચાલને ખાતા સોપ્યા હતા.
ભાજપ માટે ગુજરાત એક પોલિટિકલ પ્રયોગશાળા: ભાજપ દેશભરમાં ગુજરાતની ગણના હિન્દુત્વની પ્રયોગશાળા અને ભાજપના મોડલ સ્ટેટ માટે કરે છે. જેના થકી તેઓ બીજા રાજ્યોમાં પણ ગુજરાત મોડલ મૂકીને જનતાને પોતાની તરફ ખેંચવા પ્રયાસ કરે છે. જેમાં ભાજપને સફળતા પણ મળી છે. 14 માર્ચ 1995ના રોજ ગુજરાતમાં પહેલીવાર કેસરિયો લહેરાયો હતો અને ભાજપે સત્તા સંભાળી હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસ બાદ ગુજરાતમાં હિન્દુત્વનું વાવાઝોડું ફરી વળ્યું અને 1995માં 121 બેઠકની જંગી બહુમતી સાથે ભાજપે સત્તા હાંસલ કરી. ત્યારબાદ 2002માં ગોધરાકાંડ થયો અને ભાજપે 127 સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી. પરંતુ આ વખતે ભાજપે ગુજરાતના 60 વર્ષના ઇતિહાસના તમામ રેકોર્ડ બ્રેક કરી 156 સીટ જીતી હતી. આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ આવી હતી. ભાજપને 52.5 ટકા, કોંગ્રેસ 27.3 ટકા અને આમ આદમી પાર્ટીનો 12.9 ટકા વોટશેર રહ્યો હતો.