ગાંધીનગર: આ ટીમે ગુજરાતમાં અમદાવાદ અને સુરત મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણના પગલાં-ઉપાયો તેમજ લોકડાઉનની સ્થિતીની સમીક્ષા-મૂલ્યાંકન માટે ગુજરાતની મુલાકાત લીધી હતી. સીએમ વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સહિત ગૃહ અને અન્ય વિભાગો તેમજ સ્થાનિક શહેરી સત્તાતંત્રોએ કોરોના વાઇરસ કોવિડ-19 સામેના જંગમાં જે ત્વરિત અને આયોજનબદ્ધ પગલાંઓ લીધા છે, તેની નોંધ આ કમિટિએ પોતાના ફિડબેક-પ્રતિભાવ અહેવાલમાં લીધી છે.
નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે આ અંગે કહ્યું કે, ગુજરાત ગયેલી ટીમોને સંતોષજનક વિગતો પ્રાપ્ત થઈ છે. સુરતમાં આધુનિક તકનીકનો ઉપયોગ કરીને કોરોનાના દર્દીઓને ઓળખવામાં અને મોટાપાયા પર ટેસ્ટિંગ કરવામાં વહીવટીતંત્રે સફળતા મેળવી છે. આ ફિડબેક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું, કે સુરત-અમદાવાદમાં પ્રવાસી શ્રમિકો-અન્ય પ્રાંતના મજૂરો માટે શહેરી પ્રશાસન, સ્વૈચ્છિક સેવા સંગઠનો અને ઊદ્યોગોએ સંયુક્ત રીતે ફૂડપેકેટસ અને જરૂરતમંદ વ્યકિતઓને રાશન વિતરણ કરીને તેમની કાળજી લીધી છે.
મહાપાલિકાઓએ વોરરૂમ અને ડૉકટરોની વિશેષ ટીમના ઉપયોગથી કોવિડ-19ના સંક્રમિત વ્યકિતઓની ત્વરિત ભાળ મેળવીને ડોર ટુ ડોર સર્વેલન્સ સહિતના પરિક્ષણો ત્વરાએ કર્યા છે. જેની નોંધ પણ આ ટીમે ફિડબેક અહેવાલમાં લીધી છે. એટલું જ નહીં, સંક્રમિત વ્યકિતઓ અને શંકાસ્પદ વ્યકિતઓ પર નજર રાખવા જી.આઇ.એસ મેપિંગ, આરોગ્યલક્ષી ડેટા સર્વેક્ષણ અને વિશ્લેષણ સાથે સર્વે કર્યા છે. તે પ્રસંશનીય છે, એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
ખાનગી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો તેમજ અન્ય સ્થળોની મુલાકાત બાદ તંત્રની સજ્જતા બાબતે આ ટીમે સંતોષ વ્યક્ત કર્યો હતો. મોટાપાયે ટેસ્ટિંગના પરિણામે શરૂઆતના તબક્કામાં જ કોરોનાના દર્દીઓને શોધી કાઢવામાં તંત્રને સફળતા મળી છે. ગુજરાતમાં લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે ડ્રોન અને સીસીટીવી નેટવર્ક જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વ્યાપકપણે થયો છે અને તેનાથી લોકો પર સતર્કતાપૂર્વક નજર-નિગરાની રખાઇ છે, એવો ઉલ્લેખ પણ આ ટીમે પોતાના ફિડબેક અહેવાલમાં કર્યો છે.
અમદાવાદમાં પ્રત્યેક ગ્રામ પંચાયતમાં એક-એક ગ્રામયોદ્ધા સમિતી બનાવીને ગામોમાં આવશ્યક ચીજવસ્તુઓની ડોર સ્ટેપ ડિલીવરી કરવા સાથે લોકડાઉનનું ગ્રામ્યસ્તરે પણ પાલન થાય તે માટે કાર્યરત છે તેની વિશેષ નોંધ ટીમે લીધી છે. સુરતમાં કાપડ અને હીરા ઊદ્યોગો સહિત બહુધા ઊદ્યોગોમાં મોટાભાગના શ્રમિકોને લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં પણ માર્ચ મહિનાનું-પાછલા માસનું વેતન ચૂકવી દેવાયું છે, તેની પણ ટીમે નોંધ લીધી છે. આ કેન્દ્રીય ટીમે અન્ય રાજ્યોના પરપ્રાંતિય શ્રમિકો-મજદૂરો-કામદારો માટે રાજ્ય સરકારે બનાવેલા આશ્રયસ્થાનોની પણ મુલાકાત લીધી હતી.
આ સંદર્ભમાં તેમણે ફિડબેક અહેવાલમાં કહ્યું છે કે, સોશિયલ ડિસ્ટન્સીંગ પાલન સાથે આવા આશ્રયસ્થાનોમાં રાજ્ય સરકારે પૂરતી સુવિધાઓ પણ પૂરી પાડી છે. અમદાવાદમાં કેન્દ્રીય ટીમે રેડક્રોસના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ, સિવિલ હોસ્પિટલ, શેલ્ટર હોમ વગેરેની મુલાકાત લીધી હતી. એક મોબાઇલ ટેસ્ટિંગ વેનની પણ આ ટીમે મુલાકાત કરી હતી. અમદાવાદમાં પોલીસ અને આરોગ્ય ટીમો દ્વારા શહેરમાં પ્રવેશવાના સ્થળોએ સઘન ચેકીંગ-પરિક્ષણ કરવામાં આવે છે, તેની પણ આ કેન્દ્રીય ટીમે નોંધ લીધી છે.
એટલું જ નહીં, કોરોના વાઇરસ સંક્રમિત અને સારવાર લઇ રહેલા વ્યકિતઓના પરિવારજનો સાથે પણ કેન્દ્રીય ટીમે કરેલી ચર્ચા-વાતચીતમાં એવા પ્રતિભાવો મળ્યા છે કે હોસ્પિટલમાં સારવાર સુશ્રુષાની વ્યવસ્થાઓ સંતોષજનક છે તેમ પણ આ IMCT એ પોતાના ફિડબેક અહેવાલમાં સ્પષ્ટપ્ણે નોંધ્યું છે. કોવિડ કેર સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાઓ સંતોષજનક હોવાનું ટીમે જણાવ્યું છે. જો દર્દીઓને લક્ષણો જણાય તો સિવિલ હોસ્પિટલના કોવિડ ટ્રીટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં તબદીલ કરવાની પણ વ્યવસ્થા હોવાનું કેન્દ્રીય ટીમે નોંધ્યું છે.