ગાંધીનગર : રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વીજળી અને પાણી બંનેની માંગમાં વધારો થયો છે, ત્યારે આજની કેબિનેટ બેઠકમાં પીવાના પાણી બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના ઋષિકેશ પટેલે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા સર્જાશે નહીં અને રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી ચાલે તેટલું પીવાના પાણીનો સ્ટોક છે. પીવાના પાણી માટે રાજ્ય સરકારે ટોલ ફ્રી સેવાઓ પણ 24 કલાક માટે શરૂ કરી છે. જ્યારે કચ્છ જિલ્લામાં વધુ 400 MLD પાણી આપવાનો નિર્ણય કેબીનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.
રાજ્યમાં 53 ટકા પાણીનો જથ્થો : રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. 24 કલાકની ટોલ ફ્રી સેવા ફરિયાદ માટે શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં સરદાર સરોવર સહિત મધ્યમ અને મોટા કુલ 207 બંધોમાં આજની સ્થિતીએ 4,14,500 મિ.ઘનફૂટ એટલે કે 53 ટકા જળસંગ્રહ છે. જેમાં પીવાના પાણી માટે આરક્ષિત બંધોમાં 2,52,000 મી. ઘનફુટ એટલે કે 50.32 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ગુજરાતમાં પીવાના પાણીની જરૂરીયાત 46,000 મી.ઘનફૂટ છે. જેથી પાણીની કોઈ સમસ્યાઓ સર્જાશે નહીં.
પાણી માટે નવા આયોજન : પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાઓ દૂર કરવા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાલુ વર્ષે કુલ 13 જિલ્લાઓમાં 325 નવીન ટ્યુબવેલ સારવામાં આવી છે. તેમજ 432 નવીન મીની યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. આગામી દિવસોમાં જરૂરિયાત જણાશે તો નવીન 200 D.R. બોર તથા 3000 જેટલા D.T.H. બોર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત અગરિયાઓને દરિયા કાંઠે પાણી પૂરું પાડવા માટે જરૂરિયાત જણાય તો ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન
કચ્છ માટે વિશેષ વ્યવસ્થા : ઉનાળાની સિઝનમાં કચ્છ વિસ્તારમાં પાણીની હંમેશા સમસ્યા સર્જાય છે, ત્યારે રાજ્યની કેબિનેટ બેઠકમાં સૌરાષ્ટ્રના કચ્છ વિસ્તાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બલ્ક વોટર સપ્લાય ગ્રીડ મારફતે હાલ 1950 એમએલડી પાણીનો વિતરણ કરવામાં આવે છે. જે આગામી સમયમાં 2200 થી 2300 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવશે. આમ ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઇ હેન્ડ પંપની મરામત અને નિભાવણી માટે 14 જિલ્લાઓમાં 187 ટીમ નિયુક્ત કરવામાં આવેલું છે.
આ પણ વાંચો : Water Crisis in Danta : ઘરઆંગણે પાણીના નળ, પણ પાણી માટે ઠેરઠેર રઝળપાટ કરતાં 200 લોકો
શા માટે કચ્છમાં પાણીની સમસ્યાઓ : કચ્છમાં દર વર્ષે ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યાઓ સામે આવે છે, ત્યારે કચ્છની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ભારત દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે જે 45,674 કિલોમીટર સ્ક્વેરમાં ફેલાયેલો છે. આ કુલ વિસ્તારમાં 3,855 kmમાં ફક્ત રણનો સમાવેશ થાય છે. કચ્છની જમીન એકદમ સૂકી અને માટી વળી હોવાને કારણે ભૂગર્ભ જળ પામ ઓછું પ્રાપ્ત થાય છે. ઉપરાંત ઓછો વરસાદ હોવાને કારણે પીવાના પાણીની સમસ્યાઓની સામનો દર વર્ષે કચ્છ ના લોકો દ્વારા કરવામાં આવે છે. જ્યારે પીવાના પાણીને લઈને માલધારીઓને સ્થળાંતર કરતા જોવા મળે છે.