ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે સવારે 10:30 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેબિનેટ બેઠકમાં 14 ઓક્ટોબરના રોજ યોજાનાર ઇન્ડિયા-પાકિસ્તાન મેચ બાબતે અમદાવાદ પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરેલ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત જાન્યુઆરી માસમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટની ખાસ ચર્ચા કરવામાં આવશે.
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ : અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરના રોજ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ કપની મેચ રમાવા જઈ રહી છે. ત્યારે ગુજરાત અને અમદાવાદમાં કોઈપણ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર એક્ટિવ બની છે. જેથી રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 13 ઓક્ટોબર અને 14 ઓક્ટોબરના દિવસે વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તેની પણ સમીક્ષા કેબિનેટ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરશે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમની આજુબાજુની સુરક્ષા તથા પાકિસ્તાનના પ્લેયર્સ જે હોટલમાં રોકાશે તેની પણ સુરક્ષા બાબતે સમીક્ષા કરવામાં આવશે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટ : વર્ષ 2024 જાન્યુઆરીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે 20 વર્ષની ઉજવણી પૈકી રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં વાયબ્રન્ટ સમિટની જાહેરાત કરવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડીસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત અનેક જિલ્લાઓમાં તથા જિલ્લાની પ્રોડક્ટને વૈશ્વિક સ્થળે સ્થાન મળે તે રીતનું આયોજન રાજ્ય સરકારનું છે. ત્યારે સ્થાનિક બજારમાંથી કઈ વસ્તુને વૈશ્વિક સ્થાન આપવામાં આવે જેનાથી ગુજરાતની આવકમાં વધારો થાય તે બાબતની ચર્ચા અને આયોજન કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
પીવાના પાણીનો પ્રશ્ન : ગુજરાતમાં 54,000 જેટલા પીવાના પાણીના નમૂના ફેલ થયા હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે ગુજરાતના લોકોને સ્વચ્છ અને સારું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર પાણીને સુરક્ષિત રાખવા તથા પીવાલાયક પાણી લોકો સુધી સમયસર અને સુરક્ષિત પહોંચી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સતત ત્રીજા વર્ષે પણ 54,000 જેટલા પીવાના પાણીના નમૂના ફેલ થયા છે. ત્યારે આ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા થઈ શકે છે.