ગાંધીનગર ડેસ્ક/અમદાવાદ : વિધાનસભા ખાતે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા અંગેના પ્રશ્નનો મુખ્યપ્રધાન વતી પ્રત્યુત્તર આપતા રાઘવજી પટેલ જણાવ્યું છે, કે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબદ્ધ છે. રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 189 ગુજરાતી ચલચિત્રોને રૂપિયા 47 કરોડની આર્થિક સહાય ચૂકવાઇ છે. ચાલુ વર્ષે 43 ફિલ્મોને ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો Mission Loksabha 2024: બજેટસત્ર બાદ ધારાસભ્યોની બેઠકનો ધમધમાટ, જવાબદારી સોંપાઇ શકે
આર્થિક સહાય: વધુમાં તેમણે જણાવ્યું છે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2016 થી આ સહાય આપવાની નીતિ કાર્યરત છે. વર્ષ 2019 માં તેને ઉદાર કરીને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નીતિ અન્વયે ચલચિત્રોને ગ્રેડ અનુસાર સહાય અપાય છે. જેમાં A+ ગ્રેડ માટે રૂપિયા 75 લાખ A ગ્રેડ માટે રૂ. 50 લાખ, B ગ્રેડ માટે રૂ. 40 લાખ, C ગ્રેડ માટે રૂ. 30 લાખ, D ગ્રેડ માટે રૂપિયા 20 લાખ, E ગ્રેડ માટે 10 લાખ અને F ગ્રેડ કક્ષાની ફિલ્મને રૂ. 5 લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
ફિલ્મોનું સ્ક્રિનિંગ: રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ તજજ્ઞ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં નિષ્ણાંતો, ખ્યાતનામ નામ દિગ્દર્શકો, ખ્યાતનામ કલાકારો અને ખ્યાતનામ લેખકોનો સમાવેશ કરી પેનલ તૈયાર કરી છે. તેમાંથી જરૂરિયાત અનુસારના સભ્યોની કમિટીની રચના કરવામાં આવે છે. જેમાં મોટાભાગના સભ્યો ગુજરાતી જ છે. આ કમિટી દ્વારા જે ગુજરાતી ફિલ્મોની સહાય માટે અરજીઓ આવે છે. તે તમામ ફિલ્મોનું સ્ક્રિનિંગ કરીને ગુણ આપવામાં આવે છે. જેના આધારે ગ્રેડ નક્કી કરીને સહાય આપવામાં આવે છે.
ડોક્યુમેન્ટની ચકાસણી: રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 128 અરજીઓ મળી હતી. તે પૈકી 43 ફિલ્મોને સહાય ચૂકવવાના હુકમો કરી દેવાયા છે. બાકીની પડતર અરજીઓને સત્વરે સહાય ચૂકવાશે. પડતર અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ માટે અરજીદીઠ અંદાજે 200 થી 1000 જેટલા વાઉચરો સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે. જેમાં થોડો સમય લાગે છે. નિર્માતાઓ દ્વારા જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે રજૂ ન કરતા વિલંબ થાય છે. આ માટે સરકાર દ્વારા સામેથી સંકલન કરીને પૂર્તતાની કામગીરી કરવામાં આવે છે. પૂર્તતા થયેથી સહાય ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યું હતું