ગાંધીનગર: રાજ્યની ભાજપ સરકારે ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત બજેટ 2023 રજૂ કરી દીધું છે. નાણાંપ્રધાન કનુ દેસાઇએ રજૂ કરેલા આ બજેટનું કુલ કદ 3,01,022 કરોડ રુપિયા જણાવાયું છે. કનુ દેસાઇના આ બજેટમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે 5 આધારસ્થંભ મુખ્યત્વે જણાવવામાં આવ્યાં છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં, રોજગાર આપવામાં, શિક્ષણ ક્ષેત્રમાં, આરોગ્ય સુવિધામાં અને સુશાસનમાં ગુજરાત રાજ્ય અગ્રેસર બને તે બાબતે બજેટમાં વિશેષ ભાર આપવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.
કનુ દેસાઇના બજેટમાં આ ક્ષેત્રને મહત્ત્વ : ગુજરાતના વિકાસનો પહેલો સ્થંભ દર્શાવતાં કનુ દેસાઇએ જણાવ્યું કે સમાજના ગરીબ અને જરુરિયાતમંદ વર્ગની પાયાની સુવિધાઓ સાથે સામાજિક સુરક્ષા પહેલી પ્રાથમિકતા છે. સમતોલ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા માનવ સંસાધનનો વિકાસએ બીજો આધારસ્થંભ છે. જનસુખાકારી તેમ જ આર્થિક સમૃદ્ધિને વધારે સુદ્રઢ બનાવવા વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સસવલતો ઊભી કરવી તૃતીય સ્થંભ છે ખાનગીકરણને પ્રોત્સાહન આપી કૃષુ, ઔદ્યોગિક વિકાસ અને સેવાક્ષેત્રમાં પ્રવાસન ઉદ્યોગથી રોજગારની નવી તકોનું સર્જન કરવાનો વિકાસયાત્રાનો ચોથો સ્થંભ છે. જ્યારે ગ્રીન ગ્રોથ થકી પર્યાવરણની જાળવણી અને ઉપલબ્ધ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગએ પાંચમો આધારસ્થંભ છે. આ પાંચ આધારસ્થંભને ધ્યાનમાં રાખીને ગુજરાત બજેટ 2023માં નાણાંની ફાળવણી કરવામાં આવી છે.
5 આધારસ્તંભ માટે નાણાંની ફાળવણી : સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ માટે રૂપિયા 5580 કરોડની જોગવાઈ થઇ છે. જેમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 3410 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે રૂપિયા 2538 કરોડની જોગવાઈ કરી છે. શિક્ષણ વિભાગ માટે રૂપિયા 43651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 15182 કરોડની જોગવાઈ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે વિભાગ માટે રૂપિયા 6064 કરોડની જોગવાઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે રૂપિયા 2165 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે રૂપિયા 568 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો Gujarat Budget Update : ગત વર્ષ કરતા બજેટમાં 57053 કરોડનો વધારો
બજેટના મુખ્ય પાંચ પાયા માટે ફાળવણી : કનુ દેસાઇએ બજેટમાં જણાવ્યું કે પાંચ પાયા પર સરકાર કામ કરે છે. જેમાં મહત્ત્વની વાત કરીએ તો ગરીબોની વિવિધ યોજનાઓ માટે 2 લાખ કરોડની ફાળવણી, માનવ સંશાધન માટે 4 લાખ કરોડની જોગવાઇ, વિશ્વસ્તરની આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં રૂપિયા 5 લાખ કરોડના ખર્ચની જોગવાઇ, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડ તેમ જ પર્યાવરણ સુરક્ષાના હેતુ માટે ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.