ગાંધીનગર: ભારતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાખનાર બાબરે 500 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આવેલું રામમંદિર ધ્વસ્ત કરીને ત્યાં બાબરી મસ્જિદ બનાવી હતી. પરંતુ 1992માં કોમી રમખાણોને પગલે રામભક્તો દ્વારા મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. આ જ મંદિરની માગ પાછળથી 2002માં ગુજરાતના કોમી રમખાણો માટે જવાબદાર બની. હજારો રામભક્તોએ પોતાનું લોહી રેડીને ત્યાં રામમંદિર બને તેવી માગ કરી હતી. ત્યારથી અયોધ્યા બે ધર્મોના વિખવાદનું સ્થળ બન્યું હતું.
પરંતુ સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસમાં આપેલા ઐતિહાસિક ચૂકાદા બાદ હવે અહીં ભવ્ય રામમંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે શાસક પક્ષ ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના ભૂમિપૂજનનું હર્ષોલ્લાસથી સ્વાગત કરાયું છે. આજના દિવસને સમગ્ર દેશમાં દીપોત્સવ તરીકે ઉજવવામાં આવે તેવી ભાજપે દેશના નાગરિકોને અપીલ કરી હતી. ત્યારે ગુજરાત ભાજપનું મુખ્ય કાર્યાલય કમલમ પણ 1100 દીવા વડે દીપી ઉઠ્યું હતું.
જેમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા ઉપરાંત કાર્યકરોએ ભારે ઉત્સાહપૂર્વક કાર્યાલય શણગાર્યું હતું. અમદાવાદ અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજના દિવસને ઐતિહાસિક ગણીને ઉત્સાહ અને ઉમંગ સાથે રામમંદિરના ભૂમિપૂજન નિમિત્તે 'દીપોત્સવ' ઉજવવામાં આવ્યો હતો.