ગાંધીનગર: અંબાજીમાં ભાદરવી પૂનમ દરમિયાન યોજાતા મેળાને લઈને રાજ્યના યાત્રાધામના કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે બનાસકાંઠાના જિલ્લા કલેકટર અને એસ.પી સહિતના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. આ સાથે જ ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીમાં મેળો જોવો કે નહીં તે બાબતની પણ ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે એક કલાક સુધી ચાલેલી બેઠકમાં હજુ સુધી કોઇ જ પ્રકારનો નિર્ણય નથી કરાયા હોવાનો નિવેદન બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે આપ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે વધુમાં જણાવ્યું કે, અંબાજીમાં ભાદરવી પૂનમ આ બાબતે ભરાતો મેળા અંગેની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેળો યોજવો તો કેવી રીતે યોજવો તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. જ્યારે આ બાબતે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર આ બાબતે નિર્ણય જાહેર કરશે.
અંબાજી મેળા બાબતે પગ પાળા જતા અનેક સંઘો દ્વારા રજુઆતો કરવામાં આવી હતી, ત્યારે અંબાજીથી અને અનેક વિસ્તારોમાંથી ચાલતા-ચાલતા લોકો સંઘ લઈને અંબાજી પહોંચતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોના દરમ્યાન પણ પરમિશન આપવામાં આવશે કે નહીં તે પણ રાજ્ય સરકારના નિર્ણય પર આધારિત રહેશે, જ્યારે બેઠકમાં સંઘના દર્શન બાબતે પણ ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.