વિધાનસભા ખાતે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ગ્રાન્ટ ફાળવણીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલે ઉમેર્યું કે, આ સ્પર્ધા 1971માં શરૂ થઈ હતી અને આજે રાજ્ય-રાષ્ટ્રકક્ષાએ બે સ્પર્ધા યોજાય છે. રાજ્યકક્ષાની સ્પર્ધા જાન્યુઆરીમાં અને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા ફેબ્રુઆરીમાં યોજાય છે.
જેમાં વિવિધ રાજ્યના યુવક-યુવતીઓ ભાગ લેતા હોય છે. જે માટે યોગ્ય પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. જિલ્લા રમતગમત અધિકારી દ્વારા અરજીઓ એકત્ર કરીને ગિરનાર ખાતેના પર્વતારોહણ કેન્દ્ર ખાતે મંગાવીને સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વિજેતાને રૂ.5750નું ઇનામ અપાય છે. એ જ રીતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ રૂપિયા એક લાખથી વધુ રકમના ઇનામોનું વિતરણ કરવામાં આવે છે. આ સ્પર્ધાના આયોજનમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ એન.સી.સી., એન.એસ.એસ.ના યુવાનોનો પણ વ્યાપક સહયોગ સાંપડે છે.
ઉપરાંત સલામતી માટે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સ્પર્ધાના દિવસે સામાન્ય નાગરિકો માટે ગિરનાર પર્વત પર પ્રવેશ બંધ કરવામાં આવે છે. તેમજ આરોગ્ય સવલતો પૂરી પાડવા માટે પણ સગવડ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે.