ગાંધીનગરઃ ગુજરાતમાં હેલ્થ ગ્રાઉન્ડ પર લીકર પરમિટ લેનારા લોકોની સંખ્યા 3 વર્ષમાં 58 ટકા વધી ગઈ છે. આંકડા અનુસાર નવેમ્બર 2020માં લીકર પરમિટ હોય તેવા લોકોની સંખ્યા છેલ્લા 3 વર્ષમાં 27,452માંથી વધીને 43,470 થઈ ગઈ છે. મહાત્મા ગાંધીનું રાજ્ય ગણાતા ગુજરાતમાં રાજ્ય બન્યું ત્યારથી જ માદક પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગુજરાતને ડ્રાય સ્ટેટ જાહેર કરાયું હતું.
રાજ્યની જનસંખ્યા અંદાજિત 6.7 કરોડ છે. આબકારી વિભાગનાં એક સીનિયર અધિકારી અનુસાર રાજ્યમાં રહેતા નાગરિકોને હેલ્થ ગ્રાઉન્ડ પર લીકર પરમિટ આપવામાં આવે છે. તેમજ અન્ય રાજ્ય અને વિદેશથી આવતા લોકોને વધુમાં વધુ 1 સપ્તાહ માટે લીકર પરમિટ આપવામાં આવે છે.
અમદાવાદ જિલ્લામાં 13,456 લીકર પરમિટ ઈશ્યૂ થઈ છે. ત્યારબાદ સુરતમાં 9,238, રાજકોટમાં 4,502, વડોદરામાં 2,743, જામનગરમાં 2,039, ગાંધીનગરમાં 1,851 અને પોરબંદરમાં 1,700 લીકર પરમિટ ઈશ્યૂ કરવામાં આવી છે.
આ લીકર પરમિટ લોકોને આપવામાં આવી છે આ ઉપરાંત કુલ 77 હોટલ્સને પણ લીકર પરમિટ ઈશ્યૂ થઈ છે. નાદુરસ્ત તબિયત માટે દારુ જરુરી છે તેવા મેડિકલ સર્ટિફિકેટ પર જ વિભાગ લીકર પરમિટ ઈશ્યૂ કરે છે. ગયા અઠવાડિયે ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી(ગિફ્ટ સિટી)માં ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમની વૃદ્ધિ માટે રાજ્ય સરકારે આ પરિસરમાં દારુબંધી હટાવી દીધી છે.
આબકારી વિભાગ અનુસાર નવી પ્રણાલિ અંતર્ગત ગિફ્ટ સિટી પરિસરમાં હોટલ, રેસ્ટોરા અને કલ્બમાં વાઈન અને ડાઈન સુવિધા માટે લીકર પરમિટ પૂરા પાડવામાં આવશે. જો કે આ પરમીટમાં દારુની બોટલ્સ લોકોને વેચવાની પરવાનગીનો સમાવેશ થતો નથી. (PTI)