ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કલેક્ટર અને રાજ્ય સરકારના ઉદ્યોગો ભવન પાસેથી પસાર થઈ રહેલા ઘ ચાર અંડર બ્રિજ તરીકે ઓળખાતો બ્રિજ છેલ્લા ચાર દિવસથી બંધ પરિસ્થિતિમાં છે. એક જ સાઈડમાંથી વાહન ચાલકોને પસાર થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે ઘ ચાર અંદર બ્રિજ હજુ પણ આવનારા 15 દિવસ સુધી બંધ રહેશે.
3 વર્ષમાં અંડર બ્રિજે મેન્ટેનન્સ માંગ્યું : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા ઘ ચાર અંડર બ્રિજની વાત કરવામાં આવે તો, કોર્પોરેશનમાંથી મળતી માહિતી પ્રમાણે 36 કરોડના ખર્ચ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષની અંદર જ અંડર બ્રિજમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જ્યારે પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા છે, ત્યાં કચરાનો ભરાવો થયો છે. જેથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે બ્રિજ 15 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે.
અગાઉ પણ એક સાઇડનું બ્રિજ બંધ કરીને એક બાજુનું મેન્ટેનન્સ હાથ ધરાવ્યું હતું, ત્યારે હવે બીજી બાજુનું મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું છે. - હિતેશ મકવાણા (ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર)
લોકો હેરાન પરેશાન : ઘ ચાર અંડર બ્રિજ બંધ જોવા માટે ETV Bharatની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી, ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રીક્ષા ચલાવીને રોજગારી મેળવતા એક રીક્ષા ચાલકે અંડર બ્રિજમાંથી પસાર થતા સમયે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો તો કરવામાં આવે છે, પરંતુ જે એજન્સીઓને કામ સોંપવામાં આવે છે. તેઓ કામ બરાબર કરતા નથી. જેથી લોકોને હેરાન થવાનો વારો આવે છે.
વાહનોની નંબર પ્લેટ પણ તૂટી : ઘ 4 અંડર બ્રિજની વાત કરવામાં આવે તો, મસમોટા ખાડાના કારણે ગઈકાલે નીચા વાહનોની નંબર પ્લેટને પણ નુકસાન થયું છે, ત્યારે અનેક વાહનોની નંબર પ્લેટ પણ વાહનોમાંથી નીકળી ગઈ હોવાની ઘટનાઓ સામે આવી છે, જ્યારે અંડર બ્રિજમાં પણ તૂટી ગયેલી નંબર પ્લેટના દ્રશ્યો જોવા મળ્યા હતા.