ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ, કલોલ, માણસા તથા ગાંધીનગર તાલુકાના ગામડાઓમાં 2,83,048 નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. વાસ્મો દ્વારા જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની પાણી સમિતિને સાથે રાખીને યોજનાને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા જિલ્લામાં 563 નળ કનેક્શન આપવાના બાકી હતા. જે પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. આવતીકાલે 15 ઓગસ્ટના રોજ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મુખ્યપ્રધાનના હસ્તે યોજાવાનો છે. ત્યારે ગાંધીનગર જિલ્લાને રાજ્યમાં ઘરે ઘરે નળ ધરાવતો પ્રથમ જિલ્લો જાહેર કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જળ એ જ જીવન મિશન હેઠળ વર્ષ 2022 સુધી સમગ્ર દેશમાં એક પણ ઘર નળના કનેક્શન વિના ન રહે તેવું સ્વપ્ન સેવવામાં આવ્યું છે. ઘરે ઘરે નળ કનેકશન ધરાવનારું સમગ્ર દેશમાં તેલંગાણા પ્રથમ રાજ્ય છે. તેલંગાણામાં 80થી 85 ટકા જેટલી કામગીરી થઇ ચૂકી છે. જ્યારે ગુજરાતમા આશરે 76 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ગાંધીનગર જિલ્લાને બાદ કરતાં અન્ય જિલ્લાઓના નાના ગામડાઓમાં આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે.