ગાંધીનગર : ગુજરાતમાં 1500 જેટલા ડોક્ટરો બોન્ડનો ઉલ્લંઘન કરે છે. જેના કારણે લોકોને સારવાર નથી મળતી અથવા તો હોસ્પિટલને લઈને અનેક ફરિયાદો સરકાર પાસે આવતી હોય છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આરોગ્યની બેઠક મળી હતી. જેમાં આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં ડોક્ટર સર્વિસ આપવા માટે તૈયાર ન હોવાનું રાજ્ય સરકાર સામે આવ્યું છે. ત્યારે અધિકારીઓને પણ કડક સૂચના આપીને અંતરિયાળ વિસ્તારમાં આરોગ્યની સારી સુવિધા આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.
આરોગ્ય મુદ્દે બેઠક : આરોગ્ય બેઠક બાદ રાજ્યના આરોગ્યપ્રધાન દ્વારા જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રના અલગ અલગ 21 મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પશુ આરોગ્ય અને પશુ હોસ્પિટલ સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની સરકારી અને મોટી સિવિલ હોસ્પિટલ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી છે. ત્યારે આજે વિભાગ દ્વારા આરોગ્ય વિભાગની બેઠક લેવામાં આવી હતી. જેમાં 6 સરકારી મેડિકલ કોલેજ, 13 જીએમઈઆરએસ કોલેજ અને દરેક જિલ્લાના CDMO ઉપસ્થિત રહ્યા હતા. વિભાગના મુખ્ય અધિકારીઓ સાથે 21 જેટલા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યની પ્રજાને આરોગ્યની સુવિધા મળી રહે તે બાબતને ખાસ ધ્યાન રાખવામાં આવી હતી.
અધિકારીઓને સૂચના : ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દર્દીઓની સારવાર માટેની આખી વ્યવસ્થા છે. તેમાં ટિકિટબારીથી લઈને તેને એક્ઝિટ સુધી તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે આ સૂચના ફક્ત સૂચનાત્મક નહીં પરંતુ અધિકારીઓ સાથે સોલ્યુશન થાય તે બાબતનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત હોસ્પિટલમાં પણ જો કોઈ પ્રોબ્લેમ હોય તો તેનું પણ નિરાકરણ લાવવા માટેની આજે ચર્ચા કરવામાં આવી છે. હોસ્પિટલમાં મેનપાવર વધારવા માટે પણ 3 અને 4 ના કર્મચારીઓ માટેના ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ અને જીએમઈઆરએસમાં એક સાથે મેનપાવર સપ્લાય કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સુવિધા : ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સુપર સ્પેશિયાલિટી ડોક્ટરની વ્યવસ્થામાં જે બોન્ડ આધારિત ડોક્ટરોની નિમણૂક કરવાનું પણ ચાલુ કરવામાં આવ્યું છે. ખાસ કરીને આદિવાસી જિલ્લાઓમાં પણ વર્ગ-1 ના ડોક્ટરોને મૂક્યા છે. GPSC દ્વારા વર્ગ એકના MD ડોક્ટરોને પણ જ્યાં જરૂર છે ત્યાં પોસ્ટિંગ કર્યા છે. પરંતુ આ ડોક્ટર હાજર થતા નથી તેના કારણે મુશ્કેલી થતી હોય છે. સેવા સેતુ માટે પણ ડોક્ટરો લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ જેમ બને તેમ અંતરિયાળ વિસ્તારોમાં સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિટી સગવડો મળી રહે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે.