ગાંધીનગર : ગુજરાતમાં દરેક ચોમાસાની સિઝનમાં કરોડો રૂપિયાના રોડ રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાઈ જાય છે. અનેક ગાડીઓ ભુવામાં ફસાઈ જાય છે, ત્યારે હજુ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થયાના ગણતરીના દિવસો જ થયા છે, ત્યારે ગાંધીનગરના સેક્ટર 29 ખાતે વંદે માતરમ પાર્ક ટુના મુખ્ય ગેટ આગળ જ એક આઇવા ભુવામાં ગરકાવ થઈ હતી. સરકારી કર્મચારીઓને ભુવા પડવાના કારણે તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
મોડી રાત્રે આઈવા ટ્રક ભુવામાં પડી : 28 જૂનની મોડી સાંજે ગાંધીનગરમાં વરસાદ બેફામ થયો હતો અને એક કલાકની અંદર જ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, ત્યારે સેકટર 29માં સરકારી કર્મચારીના આવાસની સામે રોડ રસ્તાઓ બની રહ્યા છે. આ દરમિયાન જે રોડ થોડા સમય પહેલા જ તૈયાર કરવામાં આવ્યો હતો. તે રોડ પરથી એક આઇવા ટ્રક માટીની ભરીને પસાર થઈ રહ્યો હતો ત્યારે નવા બનેલા રોડ પર જ ભુવો પડ્યો હતો અને આખી આઇવા ટ્રક ભુવામાં પડી ગઈ હતી. જેના કારણે ટ્રકની માટી પણ રસ્તા પર પથરાઈ ગઈ હતી. આ ઉપરાંત મળતી માહિતી પ્રમાણે ગટરની લાઈન બનાવવાની હતી તે પહેલા જ રોડ તૈયાર કરવામાં આવ્યો હતો અને મસ્ત મોટો ભુવો પડ્યો હોવાનું પણ પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે.
રોડ રસ્તા બાબતે અગાઉ પણ અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોઈપણ પ્રકારનો નિકાલ કરવામાં આવતો નથી. અગાઉ ચાર વખત ફરિયાદ અને અરજી આપવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ ફરિયાદનો નિકાલ કરવામાં નથી આવતો. - લઘુસિંહ બીહોલા (રહીશ)
સેક્ટર 5બી માં પણ ભુવો : સેક્ટર 29 બાદ સેક્ટર 5માં પણ જાહેર રસ્તા ઉપર ભુવો પડ્યો હતો. જેના કારણે રહીશો ભૂવામાં ન પડે તેને ધ્યાનમાં લઈને જાગૃત નાગરિકો દ્વારા ભુવાની અંદર મોટા સળિયા રાખવામાં આવ્યા હતા, આમ ગાંધીનગરમાં પણ વરસાદે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર પાણી ફેરવી હોય તેવા દ્રશ્યો શહેરમાં પણ જોવા મળ્યા હતા.