ગાંધીનગરઃ સામાન્ય રીતે પોલીસની છબી એટલી ખરડાઈ ગઈ છે કે લોકો નામ સાંભળતા જ નાકના ટેરવા ચડાવતા હોય છે. પરંતુ કોરોના વાયરસના કારણે દેશમાં લોક ડાઉનલોડ પીરીયડ ચાલી રહ્યો છે ત્યારે આજે દેશમાં સૌ કોઈ એક થઈ ગયા છે. કોઈ અમીર નથી રહ્યું અને કોઇ ગરીબ નથી રહ્યો. ત્યારે બાલવા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન દૂર એક ઝૂંપડું જોવા મળતું હતું. જ્યાં પોલીસ પહોંચી તો તેમજ હદય દ્રવી ઊઠયું હતું. ત્યાર પછી જે થયું તે ખરેખર ઝુપડામાં રહેતા વ્યક્તિએ વિચાર્યું પણ ન હતું.
છેલ્લા 25 દિવસથી સમગ્ર દેશ લોકડાઉનમાં છે, જ્યારે આગામી 3 મે સુધી લોકડાઉન ખુલવાનુ નથી, તેવા સમયે છૂટક મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા લોકોની હાલત અત્યંત દયનીય થઈ ગઈ છે. લોકડાઉન અમલ કરાવવા માટે પોલીસ ગામડા ખૂંદી રહી છે. ત્યારે ગઈકાલ શુક્રવારે બાલવા વિસ્તારમાં સાડીઓની આડસ વચ્ચે એક શ્રમજીવી દ્વારા ઝૂંપડું બનાવવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ કરી રહેલી પોલીસના પીએસઆઇ એસ.બી કુંપાવતની નજર ઝુંપડા ઉપર ઉપર પડતાં તપાસ કરવા ગયા હતા ઝુપડાની અંદર નજર કરીને જોયું તો પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓનું હૃદય હલબલી ગયું હતું.
ઝૂંપડીની અંદર રાખવામાં આવેલા ડબ્બામા નજર નાખતા માંડ બે દિવસ ચાલે એટલી ખાદ્ય સામગ્રી હતી. પરંતુ તેમાં પણ અનેક વસ્તુઓ ખૂટતી જોવા મળતી હતી. પીએસઆઇ કુંપાવતે ઝૂંપડીમાં રહેલા વ્યક્તિ સાથે વાતચીત કરી શું ખૂટે છે એની માહિતી મેળવી હતી. આ વ્યક્તિએ પોલીસ સાથે જે વાત કરી તે વર્ણવી શકાય તેમ નથી. પરંતુ પીએસઆઇએ ડ્યુટી પૂરી કરી ગાંધીનગર આવ્યા બાદ ખાદ્ય સામગ્રી ખરીદી અને આજે જે નાની ઝુપડીમાં બે લોકો રહેતા હતા. તેમના ચહેરા ઉપર સ્મિત લાવવાનો એક નાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તે વ્યક્તિને બાહેધરી આપી હતી કે, જ્યાં સુધી લોકડાઉન છે અને કામકાજ ચાલુ ના થાય તે દરમિયાન તેમણે કોઈ પણ ચીજ વસ્તુની જરૂર હોય તો તેમનો સંપર્ક કરવાથી તેમની સમસ્યા દૂર કરી દેવાશે.