ગાંધીનગર શહેરમાં વિવિધ સ્થળોએ થર્ટી ફર્સ્ટ નાઈટનું આયોજન કરાયું છે. કોબા સર્કલ પાસે કોબા સોશિયલના નામે આયોજકો દ્વારા ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં કપલ્સ, બેચરલ અને ભૂલકાઓ માટે અલાયદી વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા લોકસુરક્ષાને ધ્યાનમાં રાખી વિવિધ સ્થળોએ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. તો, ઈન્ફોસિટી વિસ્તારમાં ચાર, એક પેથાપુર અને એક માણસામાં થર્ટીફસ્ટની પાર્ટીને સત્તાવાર મંજૂરી અપાઈ છે.
31 ડિસેમ્બરની ઉજવણીમાં કેટલાંક લોકોએ દારૂબંધી વચ્ચે દારૂની મહેફિલો યોજવાની તૈયારી કરી લીધી છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસે સુરક્ષા અને દારૂને પીને છાકટા થયેલા તત્વો કે ડ્રાઈવિંગ કરતાં અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેના પગલે શહેર-જિલ્લાના મુખ્ય એન્ટ્રીપોઈન્ટો પર નાકાબંધી કરવામાં આવી છે.
ગાંધીનગર DYSP એમ.કે.રાણાએ કહ્યું હતું કે, "જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન અને ટ્રાફિકને બ્રેથ એનલાઈઝર અપાયા છે. જેથી શંકાસ્પદ લાગતાં લોકોને સ્થળ પર ચેકિંગ કરીને પગલાં લેવામાં આવશે. તેમજ જિલ્લાના મુખ્યમાર્ગો, હોટેલ્સ પાર્ટીપ્લોટ પર પેટ્રોલિંગ અને યુવતી કે રહીશની સુરક્ષા ન જોખમાય તેનું ધ્યાન રાખવામાં આવશે"