ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વની વાત કરવામાં આવે તો દિવાળી નવરાત્રી અને શ્રાવણ મહિનાના તહેવારો પહેલા જ ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોની ચકાસણી કરવામાં આવતી હોય છે ત્યારે આજની કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફક્ત તહેવારોના સમયે નહીં પરંતુ વર્ષના 365 દિવસ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થો સામે કામગીરી કરવામાં આવે તેવી ટકોર કરી હતી.
ભેળસેળિયા તત્વો સામે તવાઇ કેબિનેટ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી પર ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર ટાણે રાજ્યમાં વેચાતા ખાદ્ય પદાર્થોમાં મોટાપાયે ભેળસેળ કરવામાં આવે છે. આ ભેળસેળનો પરિણામે જનઆરોગ્ય સામે મોટો ખતરો ઉભો થાય છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આવા ભેળસેળિયા તત્વો સામે આકરા હાથે કામ લેવા કેબીનેટ બેઠકમાં આદેશ આપ્યા છે. હવે ટૂંક સમયમાં ભેળસેળિયા તત્વો સામે તવાઇ નિશ્ચિત બની છે.
અખાદ્ય ચીજવસ્તુઓ ચલાવી નહીં લેવાય સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કડક સૂચના આપી છે. જેમાં ખાદ્ય સામગ્રીની ભેળસેળ બિલકુલ ચલાવી લેવામા આવશે નહીં, આમ ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતાં વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ ડ્રાઇવ માત્ર તહેવાર પૂરતી નહી પણ નિયમિત ડ્રાઇવ કરવાની સૂચના આપી છે. આમ, ખાદ્યસામગ્રીની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરતો વેપારી કાયદાથી છૂટી ન શકે તેવી કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.
વધુમાં વધુ કેસ કરવાની સૂચના રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તહેવારોમાં પ્રસંગોએ આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય.
વેપારીઓ વધારે નફાની લાલચમાં બનાવટી ખાદ્ય પદાર્થો બનાવતા હોય છે ત્યારે વધુમાં વધુ ચકાસણી થાય અને વધુમાં વધુ કેસ કરવામાં આવે તે બાબતની સૂચના રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજની કેબિનેટ બેઠકમાં આપી છે. આમ ગુજરાતમાં તમામ નાગરિકોને સારું મીઠાઈ ફરસાણ પ્રાપ્ત થઈ શકે તેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસે જેટલા પણ મેન પાવર છે મશીનરી છે તેનો સદુપયોગ થાય અને વધુમાં વધુ ભેળસેળ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં આપી છે...ઋષિકેશ પટેલ (પ્રવક્તાપ્રધાન)
નકલી ઘી, માવો, મુખવાસ પકડાયાં : છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ઔષધ નિયમન તંત્ર દ્વારા નકલી ઘી નકલી માવો નકલી દૂધ ઉપરાંત શેમ્પૂ સાબુ મુખવાસ સહિતની ભેળસેળવાળી વસ્તુઓ પકડી પાડવાનું અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાનમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળના પરિણામે જનઆરોગ્ય સામે મોટો ખતરો ઉભો થાય છે. તેને પહોંચી વળવા માટે થઈને હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઔષધ નિયમન તંત્રને છૂટા હાથનો દોર આપ્યો છે અને આવા તત્વોને ઝેર કરવા આજે કેબિનેટ બેઠકમાં આદેશ આપ્યા છે. જયારે આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલ ટૂંક સમયમાં જાહેરાત કરશે.