ગાંધીનગર : લોકસભા ચૂંટણી 2024ને ગણતરીના મહિનાઓની વાર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા લોક હિત અને જાહેર જનતાના ઉપયોગમાં આવી શકે તેવા મહત્વના બે પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
એઇમ્સની મુલાકાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના મહત્વના બે પ્રોજેક્ટ એવા એટલે કે સૌરાષ્ટ્રના ગેટવે ઓફ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતું રાજકોટના એઇમ્સ હોસ્પિટલ અને સમગ્ર વિશ્વ અને ભારત દેશનો આસ્થાનું સ્થાન એવા દ્વારકા સિગ્નેચર બ્રિજને જાહેર જનતાના ઉપયોગ માટે લોકાર્પિત કરવાના એંધાણ છે. લોકસભાની ચૂંટણી પહેલા દિવાળી ડિસેમ્બરની આસપાસ લોકાર્પણ કરવામાં આવે તેવું આયોજન છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજકોટ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
પીએમ મોદી બંને પ્રોજેકટનું કરશે લોકાર્પણ : રાજકોટ AIIMS અને દ્વારકાના સિંગ્નેચર બ્રિજના લોકાર્પણ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે બંને પ્રોજેકટ હાલ પૂરજોશમાં પૂર્ણતાના આરે છે. ટૂંક સમયમાં બંને પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવશે. ત્યારે રાજકોટ AIIMS અને દ્વારકાના સિગ્નેચર બ્રિજ પ્રોજેકટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જ્યારે આ બાબતે હજુ સીધી પીએમઓ ઓફિસથી સત્તાવાર આવ્યું નથી.
રાજકીય વિશ્લેષકનો પ્રતિભાવ : ચૂંટણી સમયે પ્રોજેક્ટનું લોકાર્પણ સ્વાભાવિક પ્રક્રિયા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ચૂંટણીની આચારસંહિતા પહેલા મહત્વના પ્રોજેકટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે ઈટીવી ભારતને રાજકીય વિશ્વેષક દિલીપ ગોહિલે પ્રતિભાવ આપ્યો હતો.
ચૂંટણી પહેલાં આ એક સામાન્ય અને સ્વાભાવિક પ્રક્રિયા છે, ચૂંટણી આવતી હતી ત્યારે પ્રોજેકટની જાહેરાત કરી હતી અને બીજી ચૂંટણી આવે ત્યારે પ્રોજેકટ પૂર્ણ થવાથી પ્રોજેકટનું લોકાર્પણ પણ કરવામાં આવતું હોય છે...દિલીપ ગોહિલ(રાજકીય વિશ્લેષક )
978 કરોડના ખર્ચે બને છે સિગ્નેચર બ્રિજ : દ્વારકા સિગ્નેચર બ્રિજની વાત કરવામાં આવે તો જુલાઈ 2023 સુધીમાં બ્રિજનું 92 ટકા જેટલું કામ પૂર્ણ થયું હતું. ત્યારે હવે ફક્ત બ્રિજનું ટેસ્ટીંગ વર્ક હાથમાં લેવામાં આવશે. મુસાફરોને ઓખાથી બેટ દ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઈનો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. જેમાં 900 મીટર કેબલ સ્ટેયડનો ભાગ રાખવામાં આવ્યો છે. જ્યારે મળતી માહિતી મુજબ હાલમાં બ્રિજ પર કુલ 12 સ્થળોએ પ્રવાસીઓ માટે વ્યુ ગેલેરીનું કામકાજ ઝડપી બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે 28 માર્ચ 2023 ના રોજ સિગ્નેચર બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા સિગ્નેચર બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે તેવું નિવેદન પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 28 માર્ચ 2023 ના રોજ આપ્યું હતું.
રાજકોટ એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ ક્યારે? : સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર અને ગેટ વે ઓફ સૌરાષ્ટ્ર ગણાતા રાજકોટ શહેરમાં ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે ડિસેમ્બર માસમાં થવાની શક્યતાઓ પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ AIIMS હોસ્પિટલમાં ઓપીડીની શરૂઆત થઈ છે. જેમાં OPD સેવાનો 50 હજારથી વધુ દર્દીઓએ લાભ મેળવ્યો છે. રાજકોટ AIIMSમાં આશરે 1,58,879 ચોરસ મીટર બાંધકામ વિસ્તારમાંથી 91,950 ચોરસ મીટર વિસ્તારનું બાંધકામ પૂર્ણ થયું છે. અહીં 77,435 ચો. મી.ના હોસ્પિટલ વિસ્તારમાં 15 થી 20 સુપરસ્પેશિયાલિસ્ટ વિભાગ, ઇમરજન્સી, ટ્રોમા, આયુષ અને આઈસીયુ જેવી સુવિધાઓ, 27,911 ચોરસ મી. વિસ્તારમાં મેડિકલ અને નર્સિંગ કોલેજ, 51,198 ચોરસ મીટર વિસ્તારમાં હોસ્ટેલ અને ક્વાટર્સ જેવી સુવિધાઓ હશે. અત્યાર સુધીમાં 60 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે મુલાકાત કરીને કામગીરીની સમીક્ષા કરી હતી અને વહેલું કામ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી.