ગાંધીનગર : ગુજરાતમાં દર વર્ષે વરસાદમાં વધઘટ અને અનિયમિતતા સામે આવી રહી છે. વર્ષો પહેલા ગુજરાતમાં એક જ સિસ્ટમથી અને એક જ રીતે વરસાદ નોંધાતો હતો. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળામાં અને શિયાળામાં પણ વરસાદી ઝાપટાંઓ પડે છે. જ્યારે ચોમાસાની સિઝનમાં વરસાદ મોડો પડી રહ્યો છે. જેથી ખેડૂતોને ખેતીમાં મોટી અસર જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિ માટે ગુજરાતના કૃષિ નિષ્ણાતોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે રાજ્ય સરકાર અને કૃષિના નિષ્ણાતોની વચ્ચે વરસાદની પેટન પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.
બેઠક યોજાઇ : આ બાબતે રાજ્ય સરકારના કૃષિપ્રધાન રાઘવજી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના કૃષિ વિભાગના પૂર્વ અધિકારીઓ અને સચિવ તથા સરકારના અધિકારીઓ વચ્ચે આ બાબતે ચિંતન બેઠક પણ યોજાઈ છે. જેમાં વરસાદની અનિયમિતતા ની ખાસ ચર્ચા કરવામાં આવી છે. વરસાદની અનિયમિતતાના કારણે ખેડૂતોને કઈ રીતે માઠી અસર પડી રહી છે તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે ત્યારે ખાસ રિપોર્ટ તૈયાર કર્યા બાદ રાજ્ય સરકાર ખેડૂતલક્ષી મહત્વના નિર્ણયો કરશે.
આ પણ વાંચો Rajkot News : કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણતાનાઆરે, પરતું સહાય મળશે કોને જૂઓ
રિપોર્ટ બાદ સરકાર કેવા સુધારા કરશે : વરસાદની પરિસ્થિતિ અને અનિયમિતતા બાબતમાં રિપોર્ટ થયા બાદ રાજ્ય સરકારે મહત્વના નિર્ણય અને અનેક સુધારા કરવા પડશે. ત્યારે આ બાબતે રાજ્ય સરકારના કેબિનેટ કૃષિપ્રધાન રાઘવજી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રિપોર્ટ આવ્યા બાદ અનેક યોજનાઓમાં ફેરફાર કરવામાં આવશે અને બજેટમાં પણ ફેરફાર થશે. જેથી ખેડૂતોને કોઈપણ પ્રકારનું આર્થિક રીતે નુકસાન ન થઈ શકે. હાલમાં તમામ ખેડૂતોના જે પણ પડતર પ્રશ્નો હતાં તે પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
ગામદીઠ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરાશે : રાજ્યના કૃષિ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા 75માં અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાતના 18000 જેટલા ગ્રામ્ય વિસ્તારમાંથી ગામદીઠ 75 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરવાની સૂચના સ્થાનિક તંત્રને આપવામાં આવી છે. આમ પ્રતિ ગ્રામ્ય વિસ્તારમાં 75 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી તરફ દોરવામાં આવશે.
આ પણ વાંચો Damage Crop Survey : પાક સર્વે માટે રાજ્ય સરકારના આદેશ, જિલ્લા કૃષિ અધિકારીઓ આપશે અહેવાલ
બજેટનું આયોજન જુદું હતું : ઉલ્લેખનીય છે કે બજેટમાં તમામ જિલ્લાઓમાં પ્રતિ જિલ્લા 75 ખેડૂતોને પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી તરફ માટેનું આયોજન હતું. ત્યારે હવે ગામદીઠ વિસ્તારોમાં 75 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીમાં જોડવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.