ગાંધીનગર : 19 જૂનના રોજ ગાંધીનગરના ભાજપના હેડ કવાટર્સ કમલમ પાસે અકસ્માતની ઘટના બની હતી, જેમાં દાદા અને પૌત્ર પુત્રીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે શુક્રવારે ફરી 18 દિવસ બાદ ફરી ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક કાર ચાલકે એક્ટિવા મહિલા ચાલકને ટક્કર મારી હતી. જેમાં 4 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. નજીકના સ્થળે લાગેલા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી
કાર ચાલક થયો ફરાર : ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા આનંદ રેસીડેન્સીમાં રહેતા ધરતીબેન ઠક્કર તેમના દીકરી અને દીકરા સાથે એકટીવા ઉપર પસાર થઈ રહ્યા હતાં. ત્યારે ધરતીબેન ઠક્કર તેમની દીકરી ફેન્સીને ટ્યુશને મૂકવા માટે તેમના ફ્લેટની બહાર રોડ પર નીકળ્યા હતાં. એ દરમિયાન પાછળથી આવતી ગાડીએ તેમને ટક્કર મારી હતી. જેમાં ટક્કર મારતા જ એકટીવામાં તેમની સાથે જઈ રહેલ ચાર વર્ષનો મંત્ર નામનો દીકરો ટક્કર વાગવાની સાથે જ રોડ પર પટકાયો હતો અને ઘટના સ્થળે ચાર વર્ષના દીકરાનું મૃત્યુ થયું હતું. આમ હોસ્પિટલ પહોંચે તે પહેલાં 4 વર્ષના બાળકનું મોત નોંધાયું હતું.
પોલીસે ન આપી કોઈ સત્તાવાર માહિતી : સમગ્ર ઘટનાની વિગતો માટે ગાંધીનગરના DYSP ડી.એસ.પટેલને આ બાબતે ઇટીવી ભારત દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ ડી એસ પટેલે ફોન રિસીવ કર્યો ન હતો. જ્યારે પોલીસ સ્ટેશનમાં બાળકના પિતા દ્વારાજે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં જણાવાયા પ્રમાણે ફરિયાદીના પત્ની તેમજ પુત્રીને શરીર સામાન્ય ઇજાઓ થયેલી હતી. તેમના પુત્રને માથાના ભાગે વાગેલું હતું અને લોહી નીકળતું હતું.
પોલીસ ફરિયાદ નોંધાવાઇ : બાળક બેભાન હતો અને ત્યાં ડોક્ટરોએ અમને અન્ય હોસ્પિટલ લઈ જવા જણાવતાં અમે પ્રથમ હોસ્પિટલ અને ત્યાંથી આજકાલ હોસ્પિટલ સરગાસણ લઈ ગયા હતાં. જ્યાં સારવાર મળે તે પહેલા જ પુત્રની ચકાસણી કરતા તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. મૃતક બાળકના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદને પગલે ઇન્ફોસિટી પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.