ગાંધીનગર : બોલીવુડ ફિલ્મનું દર વર્ષે દિલ્હી અથવા તો મુંબઇ ખાતે જ ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. ત્યારે હવે વર્ષ 2024 માં યોજાનાર ફિલ્મ ફેર એવોર્ડ કાર્યક્રમનું ગુજરાતમાં આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત ગાંધીનગરમાં ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ અને ફિલ્મફેર વચ્ચે રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને બોલિવૂડ એકટર ટાઇગર શ્રોફની હાજરીમાં MOU કરવામાં આવ્યાં હતાં.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બનાવવાનું આયોજન : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાત હાલમાં ઇન્ડસ્ટ્રીઝ અને એફડીઆઈ ધરાવતું રાજ્ય છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તરીકે વિકસાવવા સરકારનું આયોજન છે. રાજ્યમાં ફિલ્મ એવોર્ડના આયોજનથી રાજ્યને ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ કરવામાં આવશે. જેનાથી ગુજરાતને સંભવિત ફિલ્મ લોકેશન તરીકે નોંધપાત્ર એક્સપોઝર અને પ્રમોશન પણ મળશે. જ્યારે રાજ્યમાં કુદરતી સૌંદર્ય સાંસ્કૃતિક વારસો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ પ્રદર્શન કરશે. જે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતના ભવિષ્યની ફિલ્મ પ્રોજેક્ટ માટે બેક ડ્રોપ તરીકે ઉપયોગ કરવા માટે આકર્ષિત રહેશે તેનાથી રાજ્યમાં ફિલ્મ નિર્માણ, રોકાણમાં વધારો પણ થશે.
ટાઇગર શ્રોફનો ગુજરાત સાથે ખૂબ જૂનો સંબંધ : બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફે આ કાર્યક્રમ દરમ્યાન હાજરી આપી હતી. એમઓયુ બાદ ટાઇગર શ્રોફે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં ફિલ્મ ફેરના આયોજન માટે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખુલ્લા મુકેલા દ્વાર બદલ આભાર વ્યક્ત કરું છું. તેમનો ભૂતકાળ યાદ કરતા ટાઈગર શ્રોફે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત અને ફિલ્મફેર સાથે ખૂબ જ જૂનો સંબંધ છે. મારા દાદા પણ ગુજરાતી હતાં. જ્યારે પિતાને પરિંદા ફિલ્મ માટે એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આમ ફિલ્મ ફેર અને ગુજરાત બંને સાથેનો સંબંધ ખૂબ જૂનો છે. જ્યારે હવે જાન્યુઆરી 2024માં ફરીથી મળીશું તેવું કહીને તેઓએ પોતાનું સંબોધન ટૂંકાવ્યું હતું.
રોજગારીમાં વધારો થશે : ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લાએ પણ નિવેદન કર્યું હતું કે 69માં ફિલ્મ ફેર એવોર્ડની ગુજરાતની યજમાની મળી તે ગુજરાત માટે ગૌરવની વાત છે. આના થકી ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી ગુજરાતના પ્રવાસનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની નવી દિશા મળશે. આ ઉપરાંત ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગમાં પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે રોજગારીની અસંખ્ય તકોનું સર્જન પણ થશે. ગુજરાતમાં ફિલ્મ ફેર એવોર્ડ 2024નું આયોજન થતાં ઇવેન્ટ મેનેજમેન્ટ હોસ્પિટલિટી ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન થશે. જ્યારે આ એવોર્ડ સમારોહ માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ ગુજરાતના પ્રવાસન માળખામાં વૃદ્ધિ કરવામાં પણ ફાયદાકારક થશે અને લાંબા ગાળે ગુજરાતને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવશે.
- Surat News : વાંસીબોરસીમાં વર્લ્ડ ક્લાસ પીએમ મિત્ર પાર્ક બનાવવા એમઓયુ સંપન્ન, પીયૂષ ગોયલે ચોમુખી વિકાસનો લાભ ગણાવ્યો
- Gandhinagar News: ગુજકોમાસોલ રાજ્યભરમાં 150 ખેડૂતલક્ષી મોલ શરૂ કરશે, ગુજકોમાસોલ અને નાફેડ સાથે ઓઇલ મિલના એમઓયુ કરવામાં આવ્યા
- MoU with Tata : ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી ગુજરાતમાં, 13000 કરોડનું રોકાણ