ગાંધીનગર : ગુજરાતમાંથી છેલ્લા 2 વર્ષમાં ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે અનેક લોકો પ્રયાસો કરી રહ્યા છે. સીધી રીતે મેળ ન પડે તો આડકતરી રીતેે ગેરકાયદે પ્રવેશ મેળવે છે. ત્યારે માનવ તસ્કરીની આશંકાને લીઘે ફ્રાન્સ સરકારે આખેઆખું એક વિમાન ડિટેન કર્યું હતું. જેમાં તાપસ બાદ તમામ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ મેળવવા જતા હોવાનું સામે આવ્યું હતું.
સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપાઇ : વિમાન ડિટેઇન થયા બાદ ફ્રાન્સની કોર્ટ દ્વારા તમામ લોકોને રીટર્ન કરવાનો હુકમ આપ્યો હતો. જે બાદ હવે આજે તમામ લોકો મુંબઈ એરપોર્ટ ઉપર પરત આવી પહોંચ્યા હતાં. કબૂતરબાજીના મામલાની ગંભીરતાને લઇને હવે ગુજરાત સીઆઇડી ક્રાઇમ દ્વારા આ કેસની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
4 DYSP હેઠળ 16 અધિકારીઓની સ્પેશિયલ ટીમ : ભારત દેશથી વાયા ફ્રાંસ થઈને ગેરકાયદેસર રીતે અમેરિકા પ્રવેશ કરવાના આશયથી ફ્રાંસ સરકારે આખે આખું પ્લેન રિટર્ન કર્યું હતું. જે આજે સવારે મુંબઈ એરપોર્ટ ઉપર પરત કર્યું છે. ત્યારે ગુજરાત cid crime પણ સમગ્ર ઘટનાને લઈને એક્ટિવ બની છે. આ બાબતે cid crime ના એસપી સંજય ખરાંતે મીડિયાને નિવેદન આપ્યું હતું.
હાલમાં સોર્સ પ્રમાણે 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા છે અને આ તમામ લોકો પાટણ બનાસકાંઠા માણસા ગાંધીનગર ગ્રામ્ય વિસ્તાર અને આણંદના રહેવાસીઓ છે. ત્યારે આ રેકેટ પાછળ મુખ્ય આરોપીને શોધવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા ચાર ડીવાયએસપી હેઠળ કુલ 16 અધિકારીઓની 4 સ્પેશિયલ ટીમ તૈયાર કરવામાં આવી છે...સંજય ખરાંત (SP, CID ક્રાઇમ)
તમામ લોકોના નિવેદન લેવામાં આવશે સીઆઇડી ક્રાઇમ એસપી સંજય ખરાંતે વધુમાં જણાવ્યું હતું કે માનવ તસ્કરીના આ રેકેટની તપાસ માટે ખાસ ચાર ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં હાલમાં મુસાફરો મુંબઈ ખાતે પહોંચ્યા છે અને સીઆઈડી ક્રાઈમ દ્વારા જે મુસાફરોના નામ સામે આવ્યા છે તેમના પરિવારજનોના પણ નિવેદનો લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. મુસાફરોના પણ નિવેદન લેવામાં આવશે.
એજન્ટોની સામે થશે કાર્યવાહી આ તપાસ દરમિયાન કેટલીક બાબતોની તપાસ મુખ્ય બની રહેશે, જેમાં આ લોકો કોના મારફતે કયા એજન્ટ અને એજન્સી મારફતે તેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના હતાં, કઈ રીતે તેઓએ આયોજન કર્યું હતું, કયા કયા લોકો સંડોવાયેલા છે ભૂતકાળમાં આવી રીતે કેટલા લોકોએ ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કર્યો છે અને ભવિષ્યમાં કેટલા લોકો હજુ તૈયાર હતાં તે તમામ વિગતો સાથેની તપાસ કરવામાં આવશે. જ્યારે એજન્ટો દ્વારા કેટલા પૈસા લઈને અને કયા પ્રકારના વાયદા કરીને તેમને અમેરિકા મોકલ્યા છે તે તમામ વિગતની તપાસ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.