ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લે જુલાઈ 2022માં મોંઘકારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ગુજરાતમાં વિધાબસભાની ચૂંટણી હોવાને કારણે આચારસંહિતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવ્યું ન હતું. ત્યારે હવે નવી ભૂપેન્દ્ર પટેલ 2.0ની સરકારના 6 માસ બાદ સરકાર દ્વારા સંપૂર્ણ 8 ટકા મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કેવી રીતે મળશે મોંઘવારી ભથ્થું : રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 01 જુલાઈ 2022 થી 4 ટકા અને 01 જાન્યુઆરી 2023 થી 4 ટકા નો મોંઘવારી ભથ્થાની જાહેરાત અને નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણયમાં સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.38 લાખ લોકોને લાભ મળશે.
આ ભથ્થું 3 હપ્તામાં ચૂકવવામાં આવશે : સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું વધારો અપાયો છે તેમાં પ્રથમ હપ્તો જૂન 2023, બીજો હપ્તો ઓગસ્ટ 2023 તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર 2024 માસના પગાર સાથે અપાશે. સરકારે કરેલા આ નિર્ણયના પગલે સરકારી કર્મચારીઓના પગારના ખર્ચામાં વધુ 4516 કરોડનો બોજો ઉમેરાશે.
4516 કરોડનો બોજો : રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શન કરવા માટે 8 ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવી છે જેને લઇને રાજ્ય સરકારને તિજોરી ઉપર 4516 કરોડનો બોજો પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના કર્મચારીઓના સંગઠનો અને આગેવાનો દ્વારા જિલ્લા 10 દિવસથી સતત રાજ્ય સરકારને મોંઘવારી ભથ્થું આપવા માટેનું આવેદનપત્ર આપવામાં આવતું હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા અચાનક આપવામાં આવેલ મોંઘવારી ભથ્થાની જાહેરાતના નિર્ણયને કારણે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
ત્રણ હપ્તા ક્યારે ક્યારે : રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 1 જુલાઇ 2022થી ચાર ટકા અને તારીખ 1 જાન્યુઆરી 2023થી ચાર ટકાનો વધારો એમ કુલ 8 ટકાનો વધારો આપવાનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણયની શ્રેણીમાં મૂકવામાં આવી રહ્યો છે.
સાતમા પગારપંચનો લાભ છે? : આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.