ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને વિદેશની ઘેલછા લાગી છે અને વિદેશ જવા માટે ગેરકાયદેસર રીતે લોકો પ્રવેશ મેળવતા હોય છે. ત્યારે ગત 24 ડિસેમ્બરના રોજ છત્રાલ જીઆઇડીસીમાં રહેતા એક પરિવારે પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ મેળવવાના પ્રયત્ન કર્યો હતો. પરંતુ નસીબે સાથ ન આપતા પતિ, પત્ની અને પુત્રનું મૃત્યુ થયું હતું. આ ઘટના ન્યૂઝમાં આવ્યા બાદ તેની તપાસ ગુજરાત પોલીસે સ્ટેટ મોનેટરિંગ સેલને આપી હતી. ત્યાર પછી આજે વધુ બે આરોપીની ધરપકડ સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા કરવામાં આવી છે.
બેંકના ખોટા દસ્તાવેજ ઉભા કરાયા : SMC આ બાબતે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે ટી કામરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટના બાબતની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. છત્રાલનો પરિવાર હોવાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. તેમાં બ્રિજકુમાર યાદવ, તેમના પત્ની પૂજા યાદવ અને તેમના પુત્ર તન્મય યાદવ ત્રણ જણા અમદાવાદથી મુંબઈ, મુંબઈથી તુર્કી અને તુર્કીથી મેક્સિકો ગયા હતા. જેમાં તુર્કી એમ્બેસીમાં તપાસ કરતા બ્રિજકુમાર યાદવે ગોંડલના એક પેઢીનામાની નકલ મૂકી હતી પરંતુ આવી કોઈ પેઢી ગોંડલમાં આવી જ નથી. તેમ જ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ગાંધીનગર બ્રાન્ચનું 10 લાખ રૂપિયાનું સ્ટેટમેન્ટ બતાવ્યું હતું, પરંતુ આ બાબતે પણ તપાસ કરતા તેમનો કોઈ એકાઉન્ટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છે જ નહીં અને ખોટી માહિતી આપી હતી અને તુર્કીના વિઝા મેળવ્યા હતા. ત્યારબાદ તુર્કીથી મેક્સિકો પહોંચ્યા હતા અને બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો ટ્રમ્પ વોલ બની મોતની દિવાલ, USમાં ગેરકાયદેસર ઘૂસવા જતાં ગુજરાતી પરિવાર વિખેરાયો
ટીકીટ આપનાર એજન્સીની તપાસમાં આરોપી ખુલ્લા પડ્યા : Dysp કામરીયાએ વધુમાં જણાવ્યું હતું કે પાસપોર્ટ આધારે જે એજન્સી દ્વારા ટિકિટ તૈયાર કરવામાં આવી હતી. અક્ષર ટ્રાવેલ્સ એજન્સી પાસેથી તપાસ કરી છે. જેમાં આ લોકો 6 થી 7 લોકોએ આ ગુનાને અંજામ આપ્યો હતો. જ્યારે એક આરોપી આ પરિવાર સાથે અમદાવાદથી મુંબઈ પણ ગયા હતા અને મુંબઈથી તુર્કીની ટિકિટ પણ એક એજન્ટ દ્વારા કરવામાં આવી હતી. જે પરિવારની સાથે અમદાવાદથી મુંબઈ પહોંચ્યા હતા.
7 આરોપીઓ પૈકી 2ની ધરપકડ : સમગ્ર ઘટના બાબતે સ્ટેટ મોનેટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ ગુનામાં 7 આરોપી વિરુદ્ધમાં કલોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. જે પૈકી બે આરોપીઓની આજે ધરપકડ કરવામાં આવી છે. જેમાં સાહિલ વ્યાસ એ વેળાપલિયડ ગામનો વતની છે. આ ઉપરાંત બીજા આરોપીમાં સૌરભ પટેલ કે જે ઉત્સવ એપાર્ટમેન્ટ કલોલના રહેવાસી છે. આમ બંનેની અત્યારે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે હજુ 5 આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો Illegal immigration: ડીંગુચાના પરિવારની થયેલી મોત પાછળ જવાબદાર 2 એજન્ટ ઝડપાયા
પોલીસ કઈ દિશામાં કરશે તપાસ : સ્ટેટ મોનિટરિંગ સેલના DYSP કે.ટી.કામરીયાએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં અત્યારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ બંને આરોપીઓ મુખ્ય આરોપીઓ સાથે કામ કરતા માણસો છે. જ્યારે પ્રાથમિક પૂછપરછ કરતા કેટલા રૂપિયામાં તેઓને વિદેશ મોકલવામાં આવ્યા હતા, કેટલા રૂપિયાની લેવડ દેવડ થઈ હતી, તે બાબતની કોઈપણ પ્રકારની માહિતી નથી. પરંતુ જ્યારે મુખ્ય આરોપી પકડાશે ત્યારે જ કેટલા રૂપિયામાં સોદો પડ્યો હતો તે બાબતની માહિતી પ્રાપ્ત થશે. ત્યારે હવે આ બંને આરોપીઓને પૂછપરછમાં ભૂતકાળમાં કેટલા લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલવામાં આવ્યા છે તે બાબતની પણ તપાસ કરવામાં આવશે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કપટ કરી છેતરપિંડી કરી શોષણ કરવાના હેતુથી ખોટા તેમજ બનાવટી દસ્તાવેજો બનાવી તે બનાવટી દસ્તાવેજનો સાચો ઉપયોગ કરવાનો ગુનો નોંધ્યો છે. આમ આરોપીઓ વિરુદ્ધ 370, 304,465, 467,468, 471 તથા 120 બી મુજબનો ગુનો કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો છે.