ગાંધીનગર : રાજ્યમાં જમીનો ઓછી થતી રહી છે અને તેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર શહેરની આસપાસની ખેતીની જમીનોના ભાવમાં ઉતરોતર વધારો થતા અનેક ભૂમાફિયાઓ એક્ટિવ બન્યાં છે. આ કિસ્સામાં પણ બોગસ દસ્તાવેજોથી બોગસ ખેડૂત બની બેસી સાચા ખેડૂતોની જમીન પડાવી લેવાના કારસાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસ દ્વારા 11 જેટલા આરોપીઓની રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ તમામ આરોપીઓ ખેડૂતની જમીન હડપવા બોગસ ખેડૂતો ઉભા કરીને ફોટાવાળા અસલ ખેડૂતના નામવાળા દસ્તાવેજ બનાવીને ગાંધીનગર સબ રજિસ્ટરની કચેરી ખાતે દસ્તાવેજની કાર્યવાહી કરતાં રંગેહાથે ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા એસપીએ આપી વિગતો : જમીનના ખોટા દસ્તાવેજ ઉભા કરીને ખેડૂતોની જમીન વેચાણ કરતા સમગ્ર કૌભાંડ બાબતે ગાંધીનગર જિલ્લા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ મીડિયાને માહિતી આપી હતી.
પકડાયેલ 11 આરોપી પૈકી મુખ્ય સૂત્રધાર જીતેન્દ્રપુરી ગોસ્વામીએ મુખ્ય સૂત્રધાર તરીકે કામ કરતો હતો અને તે જમીન ખરીદનાર પાર્ટી શોધી લાવે તેમજ તેની સાથે મુકેશ પટેલ કે જે ફોટા આધાર કાર્ડ તથા પાનકાર્ડ તથા ચૂંટણી કાર્ડ અસલ ખેડૂતના નામથી ઉભા કરતા હતા અને ઊભા કરેલ ખોટા ખેડૂતના ફોટાવાળા દસ્તાવેજો બનાવી આપવાનું કામ કરતા હતાં. જ્યારે ગૌતમ સેનમા તથા રાજપાલસિંહ સોઢા અસલ ખેડૂતની ઉંમરના પુરુષો તથા સ્ત્રીઓ શોધી લાવવાની કામગીરી કરીને પ્રાઇવેટ બેન્કનું એકાઉન્ટ ખોલાવતા અને ખોટા દસ્તાવેજો દ્વારા જમીન હડપી અથવા ખરીદનાર પાસેથી બહાના પેટે મળનાર રકમની છેતરપિંડી કરીને ગુનાને અંજામ આપતા હતાં....રવિ તેજા વાસમ શેટ્ટી (એસપી, ગાંધીનગર )
2 કરોડનો કર્યો હતો કારોબાર : ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ વધુમાં નિવેદન આપ્યું હતું કે આરોપીએ સંદીપ મહેન્દ્ર પટેલની જમીન જે જમીન લે વેચના વ્યવસાયિક હતાં અને ખોરજ ગામે આવેલ સર્વે નંબર 390/1 ખેતીની જમીન કે જે બિનખેતી પ્રીમિયમ પાત્ર છે તે ખેતીની જમીન આજથી ત્રણ માસ અગાઉ બતાવી હતી. આ જમીન ગામતળની હોય જે સસ્તા ભાવે મળતી હોવાની રજૂઆત કરી હતી. રેકોર્ડ ઉપરના જમીન માલિકોના જાણ બહાર તેઓના નામે ઉભા કરેલ ઈસમોના ફોટાવાળા અસલ ખેડૂતના નામવાળા આઈડી પ્રૂફ બનાવીને ખોટા દસ્તાવેજ બનાવ્યા હતાં અને સપ્લીમેન્ટરી કરાર કરીને સંદીપ પટેલ પાસેથી બાના પેટે બે કરોડ રૂપિયાનો ચેક પણ મેળવી લીધો હતો. પરંતુ આ વાત ફરિયાદીને જાણવામાં આવતા તેઓએ સીધો પોલીસનો સંપર્ક કર્યો હતો અને બોગસ દસ્તાવેજ કરીને જમીન હડપ કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો.
પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અનેક ગુનાઓ : ગાંધીનગર પોલીસે પકડેલા 11 આરોપી પૈકી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. જેમાં જીતેન્દ્ર ગોસ્વામી કે જે મુખ્ય આરોપી છે તેની વિરુદ્ધ અમદાવાદ શહેર પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશન, સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન, ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે. જ્યારે મુકેશ પટેલ વિરુદ્ધ પણ ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. જ્યારે ગૌતમ સેનમા વિરુદ્ધ પણ અમદાવાદ મહેસાણા અને ગાંધીનગરમાં અલગ અલગ 9 જેટલા ગુનાઓ દાખલ થયા છે.