ગાંધીનગર : પહેલાંના સમયમાં તમામ ધાર્મિક સ્થાનો ખૂબ જ સુરક્ષિત હતાં પરંતુ જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ હવે ધાર્મિક સ્થાનો પણ સુરક્ષિત રહ્યાં નથી. જ્યારે અમુક ચોરીની પણ કેટેગરી હોય છે ત્યારે આવી જ એક ફક્ત મંદિરમાં જ ચોરી કરનારા ધાર્મિક ચોર ટોળકી આજે ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
નિશાના પર 21 મંદિર : ચોર ટોળકીની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 21 જેટલા મંદિરોને ચોર ટોળકીએ ટાર્ગેટ કર્યા હતાં. એમાં પાંચ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ આરોપીઓ સવારે રીક્ષા ચલાવવાની સાથે મંદિરોની રેકી કરતા હતાં અને બાદમાં રાત્રિના સમયે ચોરીને અંજામ આપતાં હતાં.
પકડાયેલા આરોપીઓ સવારે રીક્ષા ચલાવતા હતા અને રીક્ષા ચલાવવાની સાથે સાથે તેઓ મંદિરની રેકી પણ કરતા હતાં. જ્યારે આ મંદિરની રેકીમાં વાત કરવામાં આવે તો અગાઉની જગ્યા ઉપર મંદિર હોય અને તે મંદિરમાં દાન પેટી હોય તેવા મંદિરને જ ટાર્ગેટ કરવામાં આવતા હતાં.ચોર ટોળકી શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળની રેકી કરીને તપાસ કરતી હતી કે મંદિરમાં કોઈ પૂજારી કે અન્ય કોઈ વ્યક્તિ રાત્રિના સમયે રોકાય છે કે નહીં. ત્યારબાદ રાત્રિના 1:00 વાગ્યા પછી મંદિરના દાન પેટી પર ત્રાટકી પડતાં હતાં... રવિ તેજા વાસમશેટ્ટી (ગાંધીનગર એસપી )
દાન પેટીમાં ફક્ત ચલણી નોટો જ લેતાં : ગાંધીનગર એલસીબીને રાત્રિમાં મંદિરની ચોરી બાબતે બાતમી મળી હતી કે રીક્ષા લઈને પસાર થઈ રહેલ અમિત મકવાણા અને બાબુ નાયક ચોરીને અંજામ આપવા જઈ રહ્યા છે. ત્યારે એલસીબી દ્વારા તેમનો પીછો કરીને પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં રિક્ષામાં તપાસ કરતા રિક્ષામાંથી તાળું તોડવાનું લોખંડનું ગણેશિયું મળી આવ્યું હતું. સાથે જ શંકાસ્પદ રોકડ રૂપિયા પણ મળ્યા હતાં. જ્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મંદિરની દાનપેટીમાં ચોરી કરવા દરમ્યાન તેઓ ફક્ત ચલણી નોટો જ ચોરતા હતાં. જ્યારે સિક્કાઓ મંદિરની દાનપેટીમાં જ રાખતાં હતાં. ઉપરાંત ગાંધીનગર એસપીએ તમામ મંદિરો કે જે નાના હોય કે મોટા હોય અને દાન પેટી પર CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવાની વાત કરી હતી.
અમદાવાદ ગાંધીનગરના મંદિરો ટાર્ગેટ : ગાંધીનગર એસ.પી. રવિ તેજા વાસમશેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે દીક્ષામાં વેપાર કરવાની આડમાં તેઓ અમદાવાદ અને ગાંધીનગરના અગાઉની જગ્યા અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મંદિરોની રેખી કરતા હતા. અમદાવાદ અને ગાંધીનગરના 21 જેટલા મંદિરો ટાર્ગેટ ઉપર હતાં. જેમાં અમદાવાદના નરોડા, નિકોલ વિસ્તાર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર ગ્રામ્યના કુલ 21 મંદિરોમાં ચોરીને અંજામ આપવાનું આયોજન પણ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં મંદિરની ચોરી બાબતના 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અગાઉ આરોપી અમિત મકવાણા પર બળાત્કાર ઉપરાંત 11 જેટલા ચોરીના ગુનાઓ નોંધાયેલ છે.