ગાંધીનગર : G20માં ભારત દેશને નેતૃત્વ પ્રાપ્ત થયું છે, ત્યારે અલગ અલગ રાજ્યમાં G20ની બેઠકો તબક્કાવાર યોજાઈ રહી છે. જેને લઈને ફરી ગુજરાતમાં મહત્વના મુદ્દાઓ પર બેઠકોનો દોર જુલાઈ માસમાં શરૂ થશે. જેમાં ગાંધીનગર, સુરત અને કેવડિયા કોલોની ખાતે G20 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં G20માં 2 સેશન અને 19 બેઠકો પૂર્ણ કરવામાં આવી છે. જુલાઈ મહિનામાં ગુજરાતમાં B20 અને G20 વર્કિંગ ગ્રૂપની બેઠક તેમજ મંત્રી સ્તરની બેઠકો આયોજિત કરવામાં આવી છે. 1 જુલાઈના રોજ સુરતમાં B20 બેઠક યોજાશે. જ્યારે ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક 10થી 12 જુલાઈ, 2023 દરમિયાન એકતાનગર, કેવડિયા ખાતે યોજાશે.
ટેક્સટાઇલ, ફાઇનાન્સ, બેન્કિંગ અને ડાયમંડ જેવા વિવિધ બિઝનેસ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરતા G20 દેશોના લગભગ 200 પ્રતિનિધિઓ 1 જૂલાઈના રોજ સુરત ખાતે યોજાનારી B20 બેઠકમાં હાજરી આપશે. B20 એક પ્રતિષ્ઠિત મંચ છે, જ્યાં પ્રભાવશાળી બિઝનેસ લીડર્સ, પોલિસી મેકર્સ અને વિશ્વભરના નિષ્ણાતો સામેલ થાય છે. આ બેઠકના માધ્યમથી વ્યાપારના પ્રતિનિધિઓને વિવિધ આર્થિક અને વ્યાપાર સંબંધિત વિષયો પર તેમનો પરિપ્રેક્ષ્ય, આંતરદૃષ્ટિ અને નીતિ અંગેના સૂચનો રજૂ કરવાની તક મળશે. વૈશ્વિક આર્થિક એજન્ડા અને નીતિઓને આકાર આપવામાં, તેમના સૂચનો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. - મોના ખંધાર (G20ના નોડલ ઓફિસર)
કોણ રહેશે બેઠકમાં હાજર : મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક વ્યવસાયો માટે નક્કી કરવામાં આવેલી પ્રાથમિકતાઓ પર ચર્ચા સાથે આ B20 મિટિંગ શરૂ થશે. આ કાર્યક્રમના વક્તાઓમાં મુખ્ય અતિથિ તરીકે સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય કેબિનેટ પ્રધાનો, બંદરો, શિપિંગ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રાલય, ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. અન્ય મહાનુભાવોમાં CII ગુજરાતના ચેરમેન દર્શન શાહ, ગુજરાત CIIના પાસ્ટ ચેરમેન અને અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઇ, ટાટા પાવર લિમિટેડના સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર (MD) ડૉ. પ્રવીણા સિંહા, રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સીઈઓ શ્રેયાંસ ઢોલકિયા, G7 અને G20 રિસર્ચ ગ્રુપ્સના ડાયરેક્ટર ઓફ એકાઉન્ટબીલીટી ડૉ. એલા કોકોત્સિસ, HRH ધાતુ ગ્રાન્ડ પ્રિન્સ ઓફ ઓરિએન્ટ, સ્વિસ કેપિટલ ગ્રુપના ચેરમેન ડૉ. ગેરી સમ અને પ્રિન્સ રોયલ હ્યુમેનિટી બેંકના SCGનો સમાવેશ થાય છે, B20 મિટિંગનું બીજું પ્લેનરી સેશન વધુ સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ: આર્થિક સશક્તિકરણ માટે નાણાકીય સમાવેશને આગળ વધારવો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
3જી ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટીંગ : G20ના નોડલ અધિકારી મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે, 10થી 12 જૂલાઈ, 2023 દરમિયાન એકતાનગર, કેવડિયા ખાતે યોજાનારી 3જી ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટીંગ માટે વિવિધ G20 દેશોના 120થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાશે. આ મીટિંગની શરૂઆતમાં ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના સેમિનારમાં પ્રતિનિધિઓ ભાગ લેશે. આ ઉપરાંત, અન્ય બે પેનલ ડિસ્કશન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્લ્ડ બેંક અને UNCTAD જેવી સંસ્થાઓના મુખ્ય મહાનુભાવો હિસ્સો લેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લેશે ડેલિગેટ્સ : G20 ઇવેન્ટમાં હિસ્સો લેનારા પ્રતિનિધિઓ ગુજરાતના કેટલાક પ્રખ્યાત પ્રવાસન આકર્ષણોની મુલાકાત લેશે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય છે, જે એકતા અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે ઊભેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેઓ સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લેશે, જે માણસોના એન્જિનિયરિંગ અને રિસોર્સ મેનેજમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેઓ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સ્થાપત્યકીય અજાયબીઓને પ્રદર્શિત કરતા સુઆયોજિત શહેર એકતાનગરની પણ મુલાકાત લેશે. આ સ્થળોની મુલાકાતોથી વિશ્વભરમાંથી આવેલા પ્રતિનિધિઓને ગુજરાતના ઇતિહાસ, પ્રગતિ અને કુદરતી અજાયબીઓના એક અનન્ય સમન્વયની ઝલક મળશે.