ગાંધીનગર: નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ 127 પર આ થ્રી-લેન ઓવરબ્રીજ માટે 50 ટકા ફાળો રાજ્ય સરકારનો અને 50 ટકા ફાળો કેન્દ્ર સરકારનો રહેશે. 12 મીટર પહોળાઇના આ થ્રી-લેન ઓવરબ્રીજના નિર્માણથી નવસારી નગરની પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યા હળવી થશે. રેલવે ફાટક બંધ રહેવાને પરિણામે થતી ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. નવસારી અને વિજલપોર નગરપાલિકા વિસ્તારના અંદાજે 2 લાખ જેટલા લોકો-નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે. એટલું જ નહીં, પગપાળા અવર-જવર કરતા લોકો માટે હયાત ફાટક નીચે એક રાહદારી અંડરપાસ પણ બનાવવામાં આવશે.
જ્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગ લિફટ ઇરીગેશન સ્કીમ અને કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપ લાઇનથી લીંક કરી સિંચાઇનું પાણી આપવા માટે 73 કરોડ 27 લાખ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ યોજનાકીય મંજૂરીને પરિણામે કડાણા તાલુકાના 12 જેટલા આદિજાતિ ગામોના 26 તળાવોને ઉદવહન પાઇપલાઇન યોજનાથી કડાણા જળાશયના પાણીથી ભરીને 1600 હેકટર જમીનને સિંચાઇનો લાભ અપાશે. આ વિસ્તાર ડુંગરાળ હોવાને કારણે વરસાદી પાણી વહી જાય છે તેમજ ચેકડેમ પણ વિષમ ભૌગોલિક પરિસ્થિતીને કારણે થઇ શકતા નથી.