વિજય રૂપાણીએ મહત્વના નિર્ણય બાદ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાનો આ કપરાડા તાલુકો રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતો અને ગુજરાતના ચેરાપૂંજી તરીકે જાણીતો છે. અહિં 100થી 110 ઇંચથી વધુ વરસાદ પડે છે, પરંતુ કપરાડાની ભૌગોલિક પરિસ્થિતીના કારણે ડુંગરાળ અને વધુ ઢોળાવવાળી નદીઓ હોવાથી વરસાદી પાણી ઝડપથી સમુદ્રમાં વહી નકામું જાય છે.
તેમજ વરસાદી પાણીના સંગ્રહના અભાવે, બહુધા આદિજાતિ ખેડૂતોને ચોમાસા પછી વરસાદી પાણીનો લાભ મળતો નથી. તેથી ચોમાસા બાદ પિયતની ખેતી પણ થઇ શકતી નથી. જેથી આ 11 ચેકડેમનું નિર્માણ થવાથી 73 મીટર ઘનફૂટ જેટલો જળસંગ્રહ થઇ શકશે. તેમજ 196 હેકટર જેટલી ખેતીલાયક જમીનને સિંચાઇનો આડકતરો લાભ મળતો થશે.
આ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને સિંચાઇનો લાભ આ યોજનાથી મળતો થશે. ઉપરાંત પંચમહાલ જિલ્લાના 85 ગામોના 128 તળાવો ઉપરાંત નાની સિંચાઇના 11 સિંચાઇ તળાવો મળીને 3500 હેકટર જમીનને આના પરિણામે સિંચાઇ સુવિધા મળતી થવાની છે. આ યોજના અંતર્ગત આવરી લેવાયેલા વિસ્તારો માટે પાનમ ડેમમાંથી પાણીનું ઉદવહન કરી 185 મીટરના લેવલ પર આવેલી ટેકરી પર ચઢાવીને અંડરગ્રાઉન્ડ ડ્રીસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનો દ્વારા પાણી સિંચાઇના હેતુ માટે વહેવડાવવામાં આવશે.
જ્યારે જૂનાગઢ શહેરના નાગરિકો, નગરજનો, વકીલોની વર્ષોજૂની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જેમાં નવું કોર્ટ બિલ્ડીંગ 38 હજાર ચોરસ મીટરમાં નિર્માણ પામશે. એટલું જ નહિ આઇકોનિક હાઇરાઇઝડ બિલ્ડીંગ તરીકે જૂનાગઢ મહાનગરમાં આગવી ઓળખ બને તે હેતુસર લેન્ડ સ્કેપીંગ, ગ્રીન બિલ્ડીંગ ઇકોફ્રેન્ડલી કોન્સેપ્ટ સાથે નિર્માણ થવાનું છે.
જૂની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આ ન્યાયાલયનું નિર્માણ થવાથી શહેરની જિલ્લા કોર્ટ સહિતની અન્ય ન્યાયાલયો એક જ કમ્પાઉન્ડમાં કાર્યરત થતાં કોર્ટના કામકાજ માટે આવનારા અરજદારો, વકીલો, નાગરિકોને એક જ સ્થળેથી બધી કોર્ટની સવલત મળશે.