ગાંધીનગર : પરમારે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉન-4 માં આપેલી છૂટછાટ દરમિયાન પાન-મસાલા તથા તમાકુના વેચાણમાં બેફામ ભાવ લેવા અંગેની ફરીયાદો તોલમાપ નિયત્રંક તંત્રને મળી હતી. જે બાદ આ બાબતે ગાંધીનગર નિરીક્ષકોની એક ટીમ દ્વારા અંબિકા ટ્રેડર્સ, માણસા ઉપર દરોડા પાડી તપાસ કરતા વિમલ પાન-મસાલા પાઉચના 28 રુપિયાને બદલે 40 રુપિયા વસૂલતા હોય છે. તેમજ ઇગલ તમાકુના ટિનના 75 રુપિયાના બદલે 200 રુપિયા વસુલવામાં આવે છે. આ ઉપરાંત બંસરી પાન અને લાલસોટ પાન પાર્લર, કુડાસણ ખાતે પણ સીગારેટના પેકેટ્સ ઉપર એમ.આર.પી. કરતા વધુ ભાવ લેતા હોવાથી સદર એકમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી.
તેમણે કહ્યું કે,નાયબ નિયંત્રક(એફ.એસ) દ્વારા મરી-મસાલાના પેકેટ્સ ઉપર કિંમતમાં છેકછાક અંગે વિશાલ સુપર માર્કેટ, સેક્ટર- 6 ગાંધીનગર ઉપર પણ કાર્યવાહી કરાઈ છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાનાં વિવિધ એકમો ખાતે તપાસ કરી એમ.આર.પી. કરતા વધુ ભાવ લેતા 6 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પાન-મસાલા, ગુટખા, સિગારેટ વગેરેના વેપારી એકમો ખાતે કુલ 500 નિરીક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાં વધુ ભાવ લેવા અંગે કુલ 124 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સદર બાબતે મદદનીશ નિયંત્રક મહેસાણા દ્વારા 30 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ રૂપિયા 1,61,000 ગુન્હા માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લો કોરોનાના કહેરથી સૌથી વધુ પ્રભાવિત છે તેમ છતાં આ બાબત અંગે 16 એકમો સામે કાયદેસર કાર્યવાહી કરી કુલ રૂપિયા 26000 ગુન્હા માંડવાળ ફી વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ખેડા, વલસાડ તથા જૂનાગઢ જુલ્લામાં કુલ 17 એકમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી કુલ રૂપિયા 34000 ગુન્હા માંડવાળ ફી વસુલ કરવામાં આવી છે. આ ઝુંબેશ આગામી સમયમાં પણ રાજયભરમાં સતત ચાલુ રહેશે.