ગાંધીનગર : રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર મહાપાલિકાનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. 18 જેટલા ગામડા એક પેથાપુર નગરપાલિકા અને કેટલાક ગામના સર્વે નંબરનો સમાવેશ કર્યો છે. ગ્રામ પંચાયત દ્વારા કામગીરી બંધ કરવામાં આવી છે, ત્યારે મહાપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓને ગામડાની જવાબદારી સોંપવામાં આવી છે.
મહાનગરપાલિકાની આગામી ચૂંટણી સેક્ટર ઉપરાંત નવા ગામડાઓ સાથે યોજાશે. મહાપાલિકાના વિસ્તારને બમણો કરી દેવામાં આવે છે. તેવા સમયે પરિપત્ર થવાની સાથે જ મહાપાલિકામાં સમાવેશ કરાયેલા ગામડાઓમાં સરકારી કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે. મોટા ગામના રેકોર્ડ પણ જમા લઈ લેવામાં આવ્યા છે. તેવા સમયે જે તે ગામના નાગરિકોને પોતાનું કામ કરવા ક્યાં જવું તેની સમસ્યા ઊભી થઈ હતી, ત્યારે મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા કોર્પોરેશનમાં ફરજ બજાવતાં અધિકારીઓને તેની જવાબદારી સોંપવામાં આવી છે. હવે આ અધિકારીઓ ગામડાની સમસ્યાઓનું સમાધાન લઇ આવશે.
ગામડાના લોકોની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સમયાંતરે મહાપાલિકા દ્વારા મોનિટરિંગ કરવામાં પણ આવશે. હાલ તો 11 અધિકારી કર્મચારીને અલગ-અલગ પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગામ દ્વારા વિરોધ કરવામાં આવે છે, ત્યારે આ કર્મચારીઓ ગામના નાગરિકોની સમસ્યાનું કેવી રીતે સમાધાન લાવે છે તે જોવુ રહ્યું.