ગુજરાતમાં આજથી શાળા આરોગ્ય કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ થકી બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. જેમાં અતિ ગંભીર બીમારીવાળા બાળકોને તેમના રોગોની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. જિલ્લા વિકાસ અઘિકારી આર.આર. રાવલે જણાવ્યું હતું કે, આ વર્ષ જિલ્લામાં 1163 આંગણવાડીઓના 88122 બાળકો, 812 પ્રાથમિક શાળાના 1,75,249 વિદ્યાર્થીઓ, 250 માઘ્યમિક શાળાના 58,571 વિદ્યાર્થીઓ, 34 અન્ય સંસ્થાઓના 4840 બાળકો મળી કુલ 3,27,358 વિદ્યાર્થીઓને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવનાર છે.
નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલના હસ્તે કલોલ તાલુકાના ઇસંડ ગામ અને ગાંઘીનગર તાલુકાના પોર ગામના રૂપિયા 34 લાખથી વઘુના ખર્ચે નવનિર્મિત આઘુનિક સુવિઘાથી સજ્જ કરવામાં આવેલા સરકારી આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઇસંડ ગામની શાળાની મુલાકાત લઇ શાળા આરોગ્ય કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.
ગત વર્ષે ચશ્મા મેળવનાર બાળકોની સાથે વાતચીત કરી અભિપ્રાય મેળવ્યો હતો. તેમજ શાળાના ઘોરણ 2ના કલાસની ઓંચિતી મુલાકાત લઇને બાળકોના જ્ઞાનની ચકાસણી કરવા માટે તેમને સમજ પડે તેવા સરળ પ્રશ્નો પુછ્યા હતા. શાળા આરોગ્ય તપાસણી થકી પોતાના બાળકોની સારવાર કરાવનાર વાલીઓએ પોતાના અભિપ્રાય પણ રજૂ કર્યા હતા.