ગાંધીનગરઃ અક્ષરધામ મંદિરના પરિસરમાં દિવાળીની વિશેષ ઉજવણી સંદર્ભે કુલ 10,000 દીવાનો શણગાર કરવામાં આવ્યો છે. આ પરંપરાને આ દિવાળીમાં 32મુ વર્ષ થયું છે. 1992માં સ્થપાયેલા આ મંદિરમાં 31 વર્ષથી સતત દર દિવાળીએ 10,000 દીવા પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત મંદિરના મેઈન ગાર્ડનને ગ્લો ગાર્ડનની થીમ પર ડેકોરેટ કરવામાં આવ્યું છે.
વિશિષ્ટ આકર્ષણોઃ આ વર્ષે પણ ગાંધીનગરના અક્ષરધામ મંદિરે પોતાની 31 વર્ષથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી છે. જે અનુસાર આ વખતની દિવાળીમાં સમગ્ર મંદિર પરિસરમાં કુલ 10,000 દીવાઓને પ્રગટાવવામાં આવ્યા છે. આ દીવાઓની રોશનીમાં સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું છે. સમગ્ર વાતાવરણ પ્રકાશમય બની ગયું છે. આ ઉપરાંત ભક્તો અને દર્શનાર્થીઓ માટે એક વિશેષ આકર્ષણ પણ ઉમેરવામાં આવ્યું છે. જેમાં અક્ષરધામ મંદિરના મેઈન ગાર્ડનને ગ્લો ગાર્ડનની થીમ પર લાઈટ્સથી ડેકોરેટ કરવામાં આવ્યું છે. આ નયનરમ્ય નજારો અદભુદ છે. ગ્લો ગાર્ડનની થીમ દર્શનાર્થીઓ અને મુલાકાતીઓને અત્યંત મોહક લાગી રહી છે. આ ઉપરાંત નજીકના દિવસોમાં પ્રભુ શ્રી સ્વામિનારાયણની 49 ફિટ ઊંચી પ્રતિમા પણ આ મંદિર પરિસરમાં સ્થાપવામાં આવશે. આ પ્રતિમાના દર્શન ઉપરાંત ભક્તો પૂજા અર્ચના પણ કરી શકશે. આ 49 ફિટ ઊંચી પ્રતિમા સમક્ષ મેડિટેશન કરી શકાય તેવી ખાસ વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવશે.
સોમવારે મંદિર ખુલ્લુ રહેશેઃ સામાન્ય દિવસોમાં ગાંધીનગર અક્ષરધામ મંદિર સોમવારે બંધ રહેતું હોય છે. જો કે આ વખતે દિવાળીના દિવસોમાં સોમવાર આવતો હોવાથી મંદિર ભકતો માટે ખુલ્લુ રહેશે. તેમજ મંદિરના નિયમિત અને વિશિષ્ટ આકર્ષણોનો લ્હાવો પણ ભકતો અને દર્શનાર્થીઓ લઈ શકશે.
દર વર્ષે દિવાળીમાં અક્ષરધામ મંદિરમાં 10,000 દીવાઓથી શણગાર કરવામાં આવે છે. આ વર્ષે પણ સમગ્ર મંદિર પરિસરમાં 10,000 દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાર્ડનના ડેકોરેશનને ગ્લો ગાર્ડનની થીમ પર કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ભગવાન સ્વામિનારાયણની 49 ફૂટની મૂર્તિ સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે...ડૉ. જયેશ માંડલકર, સ્વયં સેવક, અક્ષરધામ મંદિર, ગાંધીનગર