ગાંધીનગર : આવનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ વિપક્ષો ભેગા થયા છે. મુંબઈ ખાતે વિપક્ષની સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષનું એક સૂત્ર એક નામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તમામ વિપક્ષોએ એકતા દાખવીને INDIA તરીકેનું નામ જાહેર કર્યું હતું. ત્યારે G20 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત લખાવ્યું હતું. હવે ગુજરાત સરકાર અને વિધાનસભા દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદીના આમંત્રણ કાર્ડમાં પણ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાવ્યું છે.
ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વન નેશન વન એપ્લિકેશન અંતર્ગત ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનું લોકાર્પણ કરવા 13 સપ્ટેમ્બર સવારે 10:00 કલાકે ગુજરાત વિધાનસભાના સત્રનો પ્રારંભ કરાવશે. ત્યારે આમંત્રિત લોકોને આમંત્રણ આપવા માટે તંત્ર દ્વારા કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. એમાં President of Bharat જ લખવામાં આવ્યું છે, જે ખોટું નથી. -- ઋષિકેશ પટેલ (પ્રવક્તા પ્રધાન, રાજ્ય સરકાર)
પ્રેસિડેન્ટ ઓફ ભારત : President of Bharat બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ટ ઓફ ભારત આમંત્રણ પત્રિકામાં છપાવવામાં આવ્યું છે અને તે વાત સાચી છે. ભારત શબ્દ સનાતનની સાથે જોડાયેલો છે. રાજા ભરત સાથે સંકળાયેલ છે. અનેક દેશોએ પોતાની આગવી પરંપરા જાળવી રાખી છે. ભૂતકાળમાં જે નિશાન ગુલામીકાળના રહ્યા હતા, તે તમામ બધા નિશાન મિટાવીને તમામ દેશો પોતે પોતાનું નામ અને પોતાની પરંપરા મુજબ રાખ્યું છે.
અંગ્રેજી નામની જરૂર નથી : ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આપણા દેશે પણ ભારત નામ રાખ્યું છે. સ્વાભાવિક છે કે આપણે બધાએ ભારત દેશને પ્રેમ કર્યો છે. ત્યારે હવે અંગ્રેજી નામોની જરૂર નથી. હવે આખા દેશમાં દરેક લોકો આ ભારતથી જોડાયેલા અને ભારત શબ્દથી જોડાયેલા છે, ઈતિહાસથી જોડાયેલા છે. તેના માટે આપણે G20 માં પણ ભારત લખાવ્યું હતું. ત્યારે હવે દરેક જગ્યાએ ભારત શબ્દનો પ્રયોગ થવાનો છે.