ગાંધીનગરઃ શિક્ષણ વિભાગ દ્વારા ઉત્તરવહી અવલોકન માટેની ફીમાં કરાયેલા ઘટાડા બાબતે શિક્ષણ બોર્ડ સચિવ ડી.એસ.પટેલ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના સમયમાં આ વર્ષે વિદ્યાર્થીઓને ફાયદો કરાવવા માટે ઉત્તરવહી અવલોકનની ફીમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે કેટલાય વિદ્યાર્થીઓએ ઉત્તરવહી અવલોકન માટેની 300 રૂપિયા ફી ભરી દીધી છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને પણ વધારાની રકમ રિફંડ કરવાની પ્રક્રિયા પણ શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આમ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા દસ વર્ષથી ઉત્તરવહી અવલોકન ફી 300 રૂપિયા દેવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે વાલી અને વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો ન પડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા 50 ટકા ફી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.