ગાંધીનગર: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. આ મેચને શરૂ થવાના ગણતરીના કલાકો જ ગણાઈ રહ્યા છે ત્યારે દેશ-વિદેશથી ક્રિકેટરસિકો ભારત-પાકિસ્તાનની મેચના સાક્ષી બનવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા અને કેનેડાથી અમદાવાદ અને ગાંધીનગર પહોંચી ગયા છે.
'હું ભારતીય છું, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી કેનેડામાં સ્થાયી થયો છું. ભારતમાં આવવા માટે મને કોઈ જ પ્રકારની તકલીફ પડી નથી. પરંતુ મને સૌથી મોટી તકલીફ ટિકિટ મેળવવા માટે પડી હતી. શરૂઆતના સમયમાં ટિકિટ મળશે કે નહીં તેવો ડર હતો,પરંતુ મને ટિકિટ મળી ગઈ. હવે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં બેસીને ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે ખૂબ એક્સાઇટેડ છું. એર ટિકિટમાં મને થોડી તકલીફ પડી, જેથી અમે ફ્રેન્ક ફ્રન્ટથી વેન કુંવર, ત્યાંથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા. અહીં આવવા માટે અંદાજિત છ લાખનો ખર્ચ થયો. - સંદીપ કોટરા, કેનેડા
'હું ભારત-પાકિસ્તાન મેચ બાબતે ખૂબ એક્સાઈટ છું. પહેલા હું કયારેય ગુજરાત આવી નથી. પરંતુ ભારત પાકિસ્તાન મેચ જોવા માટે પ્રથમ વખત ગુજરાત આવી છે. પ્રથમ વખત ભારત- પાકિસ્તાનની મેચ સ્ટેડિયમમાંથી જોઇશ. ભારત-પાકિસ્તાનની મેચમાં 300થી વધારે સ્કોર થાય તો ખૂબ મજા આવશે.' - પ્રિયા કોટરા, કેનેડા
'મારા આખા જીવનમાં ભારત- પાકિસ્તાનની મેચ જોવાનો એક જ વખત મોકો મળ્યો છે, અને આ વખતે હું ભારત પાકિસ્તાન મેચનો સાક્ષી બનીશ. અગાઉ અનેક ભારત પાકિસ્તાન મેચ ટીવીમાં જોઈ છે પણ આ પ્રથમ વખત છે જ્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ જોઇશ. મેચની ટિકિટ માટે ખૂબ મહેનત કરી હતી ત્યારે ટિકિટ મળી. જ્યારે ભારત પાકિસ્તાનની મેચ જોવા માટે અમેરિકાથી અમદાવાદ સુધી 22 કલાકની મુસાફરી કરી હતી. ભારતીય ટીમ ફકત આ ગેમ નહિ પણ વિશ્વ કપ પણ જીતશે.' - જય ઓઝા, લોસ એન્જલન્સ, USA