ગાંધીનગર તાલુકના પ્રાંતિયા ખાતે રહેતાં વિજયભાઈ રાવજીભાઈ પટેલે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ 2015થી ધી પ્રાંતિયા સેવા સહકારી મંડળી લી.ના ચેરમેન તરીકે સેવા આપે છે. 1960થી નોંધાયેલી આ મંડળીમાં અગાઉ આલમપુરના જીતેન્દ્રભાઈ નાથાભાઈ પટેલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2014થી 17નું ઓડીટ ઓડીટરે 2018માં કરેલું હતું. જેમાં 96,55,287 રૂપિયા મંડળીના સેક્રેટરીએ અંગત કામે વાપરલે જે પૈકી 68,10,616 રૂપિયા સેક્રેટરીએ જેતે ખેડૂત સભ્યના ખાતે જમા કરાવતા 28,44,671 વસૂલ કરવાના બાકી હોવાનો રિપોર્ટ અપાયો હતો.
ચેરમેને ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ સેક્રેટરી જીતેન્દ્રભાઈ પટેલે આજદીન સુધી નાણા મંડળીમાં જમા કરાવ્યા નથી. ત્યારે 96.55 લાખની ગેરરીતિના અહેવાલને પગલે જિલ્લા રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવા હુકમ કર્યો હતો. જેના આધારે ચેરમેને પૂર્વ સેક્રેટરી સામે 96,55,287 લાખની નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાવતા ડભોડા પોલીસે વિશ્વાસઘાત-છેતરપીંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.