ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણી નજીક છે, ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજાના ધારાસભ્યો સંપર્કમાં હોવાના નિવેદનો સામે આવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના 15 જેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની વાત પણ ઉડી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ આ વાતનો છેદ ઉડાડ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપ સાથેના કનેક્શન બાબતે જણાવ્યું હતું કે કોંગ્રેસનો એકપણ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં નથી પરંતુ ભાજપના જ ધારાસભ્ય અત્યારે સરકારથી નારાજ હોવાનું નિવેદન આપ્યું હતું જ્યારે પૂજા વંશે જણાવ્યું હતું કે ભાજપ અત્યારે કોંગ્રેસને તોડવાના પ્રયાસ કરે છે પરંતુ તેઓ સફળ નહીં થાય. કોંગ્રેસના એકપણ ધારાસભ્ય ભાજપમાં સંપર્કમાં નથી પરંતુ ભાજપના જ ધારાસભ્ય કોંગ્રેસના સંપર્કમાં છે. તેઓ નારાજ છે અને ગમે ત્યારે સરકારનો સાથ છોડી શકે છે .
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં સરકારમાં તોડફોડ બાદ ગુજરાતમાં પણ તેની આંતરિક અસર જોવા મળી રહી છે. આ સમગ્ર મુદ્દાને ચગાવવા ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ એકબીજા પર આક્ષેપો અને પ્રત્યાક્ષેપ કર્યા હતાં કે તેઓના ધારાસભ્યો બીજી પાર્ટી સાથે સંપર્કમાં છે. પરંતુ કોંગ્રેસના એક મોટા નેતા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે આ સંપુર્ણ ભાજપનો એક પ્લાન છે, જ્યારે કોંગ્રેસના એકપણ ધારાસભ્યો-ભાજપના સંપર્કમાં નથી.