એક સમયના કોંગ્રેસી ધારાસભ્યો લોકસભા સાથે યોજાયેલી વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપમાંથી જંપ લગાવી હાલ ભાજપના ધારાસભ્ય બની ગયા છે. તમામ ચાર ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્ય તરીકે શપથ પણ લેવડાવી દીધા છે. ત્યારે કોંગ્રેસને ચાર ધારાસભ્યોએ અલવીદા કહ્યાં બાદ હવે અલ્પેશ ઠાકોર અને તેમના સમર્થનવાળા અન્ય ધારાસભ્યો પણ અલવીદા કહે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. તે પહેલાં જ કોંગ્રેસના અન્ય બે યુવા ધારાસભ્યો પૈકી મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર અને ચોટીલાથી ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ નાયબ મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરતાં રાજકારણ ગરમાયું છે.
બંને ધારાસભ્યોની મુલાકાત બાદ તેઓ કોંગ્રેસનો ખેસ ઉતારી કેસરિયો ધારણ કરે તેવી વાતો વહેતી થઈ છે. ઋત્વિક મકવાણા કુંવરજી બાવળિયાનાં કૌટુંબિક સંબંધી થાય છે. અગાઉ બાવળિયાએ ઋત્વિકને ભાજપમાં જોડાવાની ઓફર કરી ચૂક્યા છે. જ્યારે મહુધા ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારના પિતા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યને લોકસભાની ટિકીટ મળી ન હતી. તેથી બંને ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ લાગી રહી છે.
આ વચ્ચે હાલ ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો ખાલી થઈ રહી છે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાઈ આવતા રાજ્યસભાની બે બેઠકો ખાલી થઈ છે. આ બેઠકો પર કબજો મેળવવા ભાજપના 2 ધારાસભ્યો ઓછા છે. તેના કારણે આગામી સમયમાં કોઈ મોટી જોડ-તોડ થાય તેવી પણ શક્યતાઓ છે.
શું કહે છે ધારાસભ્ય ઋત્વિક મકવાણા?
ચોટીલા કોંગ્રેસી ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપમાં જોડાવવાની વાતને હાસ્યાસ્પદ ગણાવી હતી. તેમણે નિતીન પટેલ સાથેની મુલાકાત અંગે કહ્યું હતું કે, ગોદાવરી તાલુકાના પુલની રજૂઆત માટે ગયો હતો. આ ઉપરાંત ચોટીલાના ઝુંપડા ગામને અત્યાર સુધી રસ્તો મળ્યો ન હોવાથી તેની રજૂઆત કરી છે. નીતિન પટેલ સાથે રાજકીય વાતચીત ન થઈ હોવાનું તેમણે જણાવ્યું હતુ.
મહુધા કોંગ્રેસ IT સેલે ઈન્દ્રજીતસિંહ ભાજપમાં જોડાશે તે વાતને નકારી
આ તરફ મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે પણ પોતાની ભાજપમાં જોડાવવાની વાતને રદિયો આપ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા તેમણે કાર્યકર્તાઓ અને જાહેર જનતા માટે લખતાં જણાવ્યું છે કે, હાલમાં મારી ભાજપમાં જોડાવવાની અફવાઓ ફેલાઈ રહી છે, આ વાત બિલકુલ પાયાવિહોણી છે. મારા માટે મારો પક્ષ અને પક્ષના કાર્યકર્તાઓ મહાન છે. નીતિન પટેલ સાથેની મુલાકાત રાજકીય મુલાકાત ન હતી પરંતુ, મારા મતવિસ્તારના રોડ-રસ્તાના કામો અર્થે તેમની પાસે ગયો હતો. હું કોંગ્રેસમાં હતો, કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ.
ઈન્દ્રજીતસિંહ પરમારનો આ મેસેજ સોશિયલ મીડિયા પર મહુધા અને ખેડાની ટીમ દ્વારા રજૂ કરી ભાજપમાં જોડાવવાની વાતને નકારી કાઢી છે. ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ પણ ભાજપ દ્વારા આપવામાં આવતી લોભામણી લાલચો અને કાવતરા અંગે પત્ર લખી ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે.