ફરિયાદ મુજબ 2 જાન્યુઆરીએ આવેલી જાહેરાતમાં ગુજરાત અર્બન સ્કિલ ડેવલોપમેન્ટ મિશનના નામે ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી. જેમાં વેબસાઈટ gusdm.org.in પર અરજી કરવાનું કહેવાયું હતું. જે વેબસાઈટ જોતા કચેરીનું સરનામું, પ્રોજેક્ટની લગતી વિગતો, પોલિસી તથા આરટીઆઈ મેન્યુઅલ ગુજરાત અર્બન ડેવલમેન્ટ મિશન (GUDM) વિભાગને લગતી જોવા મળી હતી. જેથી ખોટી જાહેરાત મારફતે ઉમેદવાર દીઠ 300 રૂપિયા પડાવવાનું આ ષડયંત્ર હોવાનું શંકા છે. જેથી આ મુદ્દે વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ કરતાં સે-7 પોલીસે છેતરપીંડી, વિશ્વાસઘાત અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જાહેરાતમાં અપાયેલી વેબસાઈટમાં ગૂગલ મેપમાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનનું ટેગ કરેલું હતું. જેથી કેટલાક યુવાનો અરજીની તપાસ માટે રૂબરૂ પૂછપરછ માટે આવતા જીયુડીએમ વિભાગનું ધ્યાન ગયું હતું, ત્યારે આ અંગે જાહેર ખુલાસો કરાયો છે કે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન, ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની અને શહેર વિકાર અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી આવી કોઈ જાહેરાત અપાઈ નથી જેથી તેનાથી ગેરમાર્ગે દોરાવું નહીં.