ગાંધીનગર: ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત ભરતીની ખોટી જાહેરાત આપી બેરોજગારો સાથે છેતરપીંડીનો કારસો ઘડાયો હોવાનું સામે આવ્યું છે. જે અંગે રોજગાર અધિકારી વી. એસ. પાંડોરે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અગાઉ પણ આ પ્રકારની જાહેરાત આપી છેતરપિંડી કરનાર પાટણના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જુદી-જુદી 3114 જગ્યાઓ માટે જાહેરાત આપીને ઓનલાઈન અરજીઓ મંગાવાઈ છે. 17થી 31 માર્ચ સુધી અરજીઓ મંગાવવામાં આવનાર હોવાનું નોટીફિકેશન બહાર પડાયું હતું. જાહેરાત શંકાસ્પદ લાગતા રાજ્યની રોજગાર અને તાલીમ કચેરી દ્વારા જિલ્લા કચેરીને તપાસ માટે સુચના અપાઈ હતી. જેમાં તપાસ કરતા અધિકારીઓને www.indiayep.org સાઈટ પરથી ઘ-2 પેટ્રોલપંપ સામે ઓફિસ હોવાનું સરનામું મળ્યું હતું.
જેથી રોજગાર કચેરીના અધિકારીઓએ સ્થળ તપાસ કરતા આવી કોઈ ઓફિસ મળી જ ન હતી. તો વેબસાઈટ પર આપેલો ટોલ ફ્રી નંબર પણ અમાન્ય બોલતો હતો. જેથી કોઈ શખ્સો દ્વારા સરકારના મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ અને સ્કીલ ઈન્ડિયાના લોગોનો દુરઉપયોગ કરી છેતરપિંડીનો કારસો રચ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારે જિલ્લાના રોજગારવાંચ્છુઓ પાસે કોઈ છેતરપીંડી ન થાય અને લોકોને આ બાબત ધ્યાન આવે તે માટે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જે અંગે PI જી. એચ. સિંધવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.