ગાંધીનગર શહેરમાં મહાત્મા મંદિરની બિલકુલ પાછળના ભાગે આવેલા રેલવે સ્ટેશન ઉપર દેશની પ્રથમ હોટલ બની રહી છે. હોટલનું ઓપનિંગ ગત જાન્યુઆરી 2019 માં કરવામાં આવનાર હતું. પરંતુ હજુ સુધી તે શક્ય બન્યું નથી. જાન્યુઆરી પહેલા રેલવેપ્રધાન પિયુષ ગોયલ રેલવે સ્ટેશન ઉપર બની રહેલી હોટલની કામગીરી જોવા માટે આવ્યા હતા.
તેમણે પણ જાન્યુઆરી મહિનામાં હોટલને પ્રથમ માળ સુધીનું ઓપનિંગ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી હોટેલનો શુભારંભ કરી શક્યા નથી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે રવિવારે હોટલની કામગીરી જોવા માટે આકસ્મિક પહોંચી ગયા હતા. તેમણે અધિકારીઓ સાથે હોટેલની કામગીરીમાં વિલંબ બાબતની માહિતી મેળવી હતી.
મંથરગતિએ ચાલતી કામગીરીને લઈને મુખ્યપ્રધાને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સ્થળ ઉપર જ અધિકારીઓને જણાવ્યું હતું કે, શા માટે આટલું બધું કામ ધીમું ચાલી રહ્યું છે. ત્યારબાદ મુખ્યપ્રધાન હોટલના તમામ માળ ઉપર રૂબરૂ જઈને જાણકારી મેળવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, આગામી વાઇબ્રન્ટ સમિટ પહેલા હોટેલ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે, તેઓ સીએમને વિશ્વાસ આપ્યો છે.