ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં આર.ટી.ઓ અંગે ઘણી બધી ફરિયાદો સામે આવતી હતી. સરકારે અભ્યાસ કર્યા બાદ ત્રણ ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લીધા છે. જેનાથી લોકોને ખૂબ મોટી રાહત મળશે.
આ ત્રણ નિર્ણયો પૈકી પ્રથમ તો ગુજરાતમાંથી તમામ 16 ચેકપોસ્ટ આગામી 20 તારીખથી સંપૂર્ણપણે બંધ કરી દેવાશે. ચેકપોસ્ટ બંધ કરવાના કારણે વાહનચાલકોને લાંબો સમય ઉભુ રહેવાનું નહી થાય. જેથી ઈંધણનો વ્યય થતો અટકશે. ચેકપોસ્ટના કારણે ગુજરાતના નાગરિકોને રાહત મળશે. ગુજરાત સરકારને ચેકપોસ્ટના કારણે 323 કરોડની આવક થતી હતી. છતાં સરકારે આ નિર્ણય લઈ લોકોને સરળતા કરી આપી છે. ચેકપોસ્ટના કર્મચારીઓને એનફોર્સમેન્ટ સહિત અન્ય કામમાં જોડવામાં આવશે. માલવાહકનો ચાર્જ માલિકના ખાતામાં જશે.
સરકારે બીજો મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે લર્નિંગ લાયસન્સ ફક્ત આર.ટી.ઓ.માંથી જ નહીં પરંતુ, હવે આઈ.ટી.આઈ અને પોલીટેકનીક ખાતે પણ નીકળશે. નવી 225 જગ્યાઓએ હવે લાયસન્સ ઈસ્યુ કરાવી શકશે. વાહનચાલકોએ હવે આર.ટી.ઓ. નહીં જવુ પડે. 15 નવેમ્બરથી પોલીટેકનીક ખાતેથી લાયસન્સ ઈસ્યુ કરાવી શકાશે. એટલે કે આર.ટી.ઓ માં થતી ભીડથી હવે નાગરિકોને છુટકારો મળશે. દર વર્ષે 20 લાખ જેટલા લાયસન્સ ઈસ્યુ થાય છે. હવે વાહનચાલકોને કોઈ હાલાકી ભોગવવી નહીં પડે. 42 લાખ લોકોને આર.ટી.ઓ ના ધક્કામાંથી મુક્તી મળશે.
આ ઉપરાંત સરકારે આર.ટી.ઓ. સંબંધિત 7 નવી ઓનલાઈન સેવા શરૂ કરી છે. ટ્રાન્સપોર્ટરોએ હવે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. સરકારે વાહન માલિકો માટે હેલ્પલાઈન નંબર શરૂ કર્યા.