ગાંધીનગર: લોકાર્પણ બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકોને વિકાસ કામ માગવા આવવું પડતું નથી. પરંતુ, માગ્યા વિના સામે ચાલીને વિકાસ કામ આપનારી આ રાજ્ય સરકાર છે. વિકાસના કામોમાં વધુને વધુ લોકો જોડાઇ, શહેરી જનસુખાકારીમાં સતત વધારો થાય અને ઇઝ ઓફ લિવીંગમાં વૃદ્ધિ સાથે લોકો પ્રગતિ સમૃદ્ધિ મેળવે તેવો ધ્યેય આપણે રાખ્યો છે.
સીએમ રૂપાણીએ સ્થાનિક શહેરી સત્તાતંત્રો-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિકાસકામો નાણાંના અભાવે કયારેય અટકવાના નથી તેવો વિશ્વાસ આપતાં કહ્યું કે, વિવાદ નહિ સંવાદ, જ્યાં માનવી ત્યાં સુવિધા અને લઘુત્તમ સંશાધનોના મહત્તમ ઉપયોગના ત્રેવડા મંત્ર સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ વિકાસકામોને ગતિ આપી છે. રાજ્યના પાંચ મહાનગરોમાં GDCRમાં સુધારા કરીને 70 માળથી વધુના હાઇરાઇઝડ બિલ્ડીંગને રાજ્ય સરકારે પરવાનગીઓ આપવાનો જે નિર્ણય કર્યો છે તેની ભૂમિકા આપી હતી. હાઇરાઇઝડ બિલ્ડીંગ, નાગરિક સુખાકારીના પ્રકલ્પો અને પર્સનલ હાઇજીન સાથે પબ્લીક હાઇજીનના કામોને અગ્રતા સાથે ગુજરાતના શહેરી ક્ષેત્રમાં ઇઝ ઓફ લિવીંગ સાથે રહેવાલાયક-માણવાલાયક બનાવ્યા છે. ‘‘રહેવું તો ગુજરાતમાં’’ એવો ભાવ નાગરિકોમાં જાગે તેવું વાતાવરણ બનાવવું છે.